રાજકોટઃ યુવકની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો
યુવકે યુવતીને કારથી ટક્કર મારી હતીઃ બાદમાં સીએમનું નામ લઇને દાદાગીરી કરી હતી જેનો વીડિયો વાયરલ
રાજકોટ, શહેરમાં એક યુવકની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે યુવક એક મહિલાને અપશબ્દો બોલી રહ્યો છે ને દાદાગીરી કરી રહ્યો છે. વીડિયોમાં તે યુવા મુખ્યમંત્રી મારા માસા છે’ એમ કહીને લુખ્ખાગીરી કરતો જાેવા મળી રહ્યો છે. યુવકની દાદાગીરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. મળતી માહિતી અનુસાર આ યુવકે સાયકલ પર જતી એક યુવતીને કારથી ટક્કર મારી હતી. બાદમાં આ કાર ચાલકે સીએમનું નામ લઇને ઓળખ આપી દાદાગીરી કરી હતી જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
શનિવારે સવારનાં ૬ વાગ્યે નિર્મલા રોડ પર એક યુવતી સાઇકલિંગ કરી રહી હતી ત્યારે એવામાં એક કાળા રંગની કાર ધસી આવી હતી. જેને સાઇકલને ટક્કર મારતા યુવતી રસ્તા પર પડી ગઇ હતી. જાે કે બાદમાં કાર ચાલકે માફી માંગવાને બદલે તે યુવતી પર ઉલ્ટાનો તાડૂકવા લાગ્યો અને યુવતીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી ત્યાં હાજર કોઇ શખ્સે આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.
જાે કે મોબાઇલથી વીડિયો ઉતારતી વેળાએ કારચાલક શખ્સે કહ્યું કે, ‘મારું નામ પાર્થ જસાણી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મારા માસા છે અને પોલીસ અધિકારીઓ મારા પિતાનાં મિત્રો છે, મારા પિતા એડવોકેટ છે અને બેંકનાં ડિરેક્ટર છે. ફરિયાદ કરી ગુનામાં ફિટ કરાવી દઇશ’ એમ કહીને યુવતીને ધમકાવી હતી. જાે કે ઘટનાસ્થળે ત્યાં હાજર રહેલા લોકોએ કારચાલકને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે વધુ ઉશ્કેરાવા લાગ્યો હતો. ઉપરાંત યુવતીને માફી માંગવા દબાણ કરતો હતો. જાે કે સીએમનું નામ લેતા તેનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.
આ મામલે ઝ્રસ્ કાર્યાલયે પણ ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રી કાર્યાલયથી પોલીસ કમિશ્નરને સૂચના આપવામાં આવી હતી કે, શહેરમાં આવી ઘટના બને અને મુખ્યમંત્રીનું નામ ખોટી રીતે વટાવવામાં આવે તે યોગ્ય નથી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ ઘટનાને ગંભીરતાથી લઇ વીડિયોમાં દેખાતા શખ્સની શોધખોળ હાથ ધરી હતી. જાે કે પોલીસે ગણતરીનાં જ કલાકોમાં નિર્મલા રોડ પર રહેતા પાર્થ જસાણી નામનાં શખ્સની અટકાયત કરી હતી. પોલીસે સીએમનું નામ વટાવનાર મેડિકલનાં વિદ્યાર્થીને ઝડપી લઇ તેની આગવી ઢબે સરભરા કરી હતી.