રાજકોટઃ વોટરપાર્ક માલિક સામે પગલા લેવાશે જઃ સંદિપસિંઘનો દાવો
રેડ વેળા પકડાયેલા ૩૦માંથી છ નિવૃત્ત પોલીસ કર્મચારીઓ, ૪ ઇન્સ્પેકટર, એક કોન્સ્ટેબલ, એક નિવૃત્ત ડીવાયએસપી
અમદાવાદ, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં નિવૃત્ત એએસઆઇ રાજભા ઝાલાની બર્થ ડે પાર્ટીમાં ૧૦ પોલીસ દારૂ પીધેલી હાલતમાં ઝડપાવાના ચકચારભર્યા પ્રકરણમાં એકબાજુ, પોલીસ વિવાદમાં ફસાઇ છે ત્યારે બીજીબાજુ, સમગ્ર પ્રકરણમાં પોલીસ જ સંડોવાયેલી હોઇ આ કેસમાં ભીનુ સંકેલવાની ચર્ચાએ ભારે જાર પકડયુ છે.
દરમ્યાન આ અંગે રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંઘે જણાવ્યું હતું કે, ૧૦ જેટલા લોકો તો બહારથી જ દારૂ પીને પાર્ટીમાં આવ્યા હતા તેમજ વોટર પાર્કના માલિક સામે પણ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. જા કે, આ હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટીમાં ભીનું સંકેલવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે પોલીસે ૩૦ લોકોનાં મેડિકલ કર્યા બાદ ૧૦ આરોપીને જામીન પર મુક્ત કર્યા છે. જેને લઈને અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યાં છે.
સીપીએ વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટીમાં ૩૦માંથી ૬ નિવૃત્ત પોલીસ કર્મચારીઓ હતાં. જેમાં ૪ એસઆઇ, એક કોન્સ્ટેબલ અને એક નિવૃત્ત ડીવાયએસપીનો સમાવેશ થાય છે. ૩૦ વ્યક્તિનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં ૩૦ લોકોની પોલીસે અટકાયત કરી હતી. જેમાં ૧૦ લોકો દારૂ પીધેલા હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની બર્થ-ડે પાર્ટીમાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની બાતમીનાં આધારે પોલીસ દ્વારા ગુરૂવારે રાત્રે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ દરોડા પાડવા માટે ક્રિષ્ના વોટર પાર્કના સ્થાને ક્રિષ્ના પાર્ક ખાતે પહોંચી ગઈ હતી. જેના કારણે મહેફિલ માણી રહેલાં કેટલાક લોકોને નાસી છૂટવાનો સમય મળ્યો હતો. પોલીસે ગઈકાલે રાત્રે જે સ્થળે દરોડા પાડ્યા તે ક્રિષ્ના વોટર પાર્ક રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા પાસે આવેલું છે, જ્યારે પોલીસ બાતમી મળતાં રાજકોટ- જૂનાગઢ હાઇવે પર ગોંડલ ચોકડી પાસે આવેલા ક્રિષ્ના પાર્ક પાસે પહોંચી હતી. આ મામલે સવાલ ઉદભવી રહ્યા છે કે શું પોલીસ જાણી જોઈને ક્રિષ્ના વોટર પાર્કના સ્થાને ક્રિષ્ના પાર્ક પર પહોંચી હતી ?