રાજકોટથી સરખેજ આવતી બસમાં અને બલદાણા ગામમાં આઈપીએલ પર સટ્ટો રમતા ૭ પકડાયા
(એજન્સી)અમદાવાદ, રાજકોટથી સરખેજ આવતી ટ્રાવેલ્સની બસમાં આઈપીએલ પર સટ્ટો રમતા એક શખ્સને બાવળા પોલીસે પકડી પાડયો હતો. બાતમીના આધારે પોલીસે સાણંદ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જયાં ટ્રાવેલ્સની બસ આવતા તપાસ કરતા શખ્સ સટ્ટો રમતા ઝડપાયો હતો. જયારે બલદાણા ગામ ખાતેથી પણ આઈપીએલ પર સટ્ટો રમતા ૬ લોકોને એલસીબીની ટીમે પકડી પાડયા હતા.
જીલ્લા પોલીસ વડા વીરેન્દ્રસિંહ યાદવની સુચનાને પગલે બાવળા પોલીસે કામગીરી શરૂ કરી હતી. બાવળા પીઆઈ આર.ડી. સગરની ટીમ મેચ સમયે પેટ્રોલીગમાં નીકળી હતી.ટીમને બાતમી મળી હતી કે, રાજકોટથી સરખેજ તરફ જતી પટેલ ટ્રાવેલ્સમાં એક શખ્સ મોબાઈલ ફોનમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમી રહયો છે. બાતમીના આધારે બાવળા પોલીસની ટીમ સાણંદ ચોકડી પાસે ગોઠવાઈ હતી.
પોલીસની ટીમે ટ્રાવેલ્સમાં તપાસ કરતા મેચ પર સટ્ટો રમતા અમીત રાવલ ઉ.વ.૪૦ રહે. જુના વાડજ મળી આવ્યો હતો. પોલીસે તેને મોબાઈલ પર જુગાર રમતા પકડી પાડયો હતો. તેની પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂા.ર૮ હજાર મળી કુલ રૂ.૩૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પકડાયેલા આરોપીને યુઝર આઈડી અને પાસવર્ડ રીયાઝ ઉર્ફે રીયાન રહે. વિરમગામ એ આપ્યા હોવાનું જાણવા મળે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.એલસીબીની ટીમ પણ આઈપીએલના સટ્ટાને લઈને તપાસમાં જાેડાઈ હતી. જેમાં એલસીબીના પીઆઈ એચ.બી. ગોહીલને ટીમને બાતમી મળી હતી. કે, કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના બલદાણા ગામ ખાતે આઈપીએલ પર સટ્ટો રમાય છે.
એલસીબીની ટીમે રેડ પાડી સટ્ટો રમતા ૬ લોકોને પકડી પાડયા હતા. પકડાયેલા આરોપીઓમાં એહમદ વહોરા રહે. રૂપાલ વિરલ પટેલ રહે. બોપલ ઈમરાન વહોરા રહે. રૂપાલ અસલમ વહોરા રહે. રૂપાલ આરીફ વહોરા રહે. રૂપાલ અને ફીરોઝ વહોરા રહે. સમાવેશ થાય છે.
એલસીબીની ટીમે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂા.૩૧ હજાર ૮ મોબાઈલ ફોન કિ.રૂા.૩૧ હજાર ર કાર કિ.રૂ.૬ લાખ તથા ક્રિકેટના સટ્ટાના સોદા લખેલા કાગળો મળી કુલ રૂા.૬.૬ર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.