રાજકોટનાં વેપારીની મર્સીડીઝનો કાચ તોડી ૪.૫૦ લાખ રૂપિયા તથા ૫૦૦ ડોલરની ચોરી
અમદાવાદ: ચોરો અને તસ્કરો શહેરમાં બેફામ બન્યાં છે. ત્યારે ઘરફોડ ચોરીઓ ઉપરાંત કેટલાંક સમયથી કારનાં કાચ તોડીને કિંમતી વસ્તુઓ સહિત રોકડ રકમ પણ ચોરી જવાની કેટલીય ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ગઇકાલે રાજકોટનાં એક વેપારીની અમદાવાદ મુલાકાત દરમિયાન મર્સિડીઝ કારનાં કાચ તોડીને રૂપિયા સાડા ચાર લાખની રોકડ અને ૫૦૦ અમેરીકન ડોલર ચોરાતાં ચકચાર મચી છે.
કમલેશભાઈ બુલચંદાણી કલ્પવન સોસાયટી, ગોંડલ રોડ રાજકોટ ખાતે રહે છે અને શ્રેષ્ઠા વેલનેસ નામે કંપની ધરાવે છે. ગત કેટલાંક દિવસથી અંગત કામસર કમલેશભાઈ પોતાના ભાઈ અજયભાઈ તથા અન્ય એક વ્યક્તિ સાથે અમદાવાદમાં રોકાયેલાં હતા. ગઇકાલે સાંજે કમલેશભાઈ ન્યુયોર્ક ટાવરની બાજુમાં જય હિંદ એચ.એન.સફલ બિલ્ડીંગ સામે પોતાની મર્સીડીઝ કાર પાર્ક કરી બિલ્ડીંગમાં ગયા હતા. જ્યાંથી મોડી સાંજે તેમનો ડ્રાઈવર કોઈ કામથી બહાર આવતાં ગાડીનાં કાચ તુટેલાં જાયા હતા. ઘટનાની જાણ થતાં તમામ લોકો બહાર દોડી આવ્યા હતા. આ અંગે કમલેશભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
અજાણ્યા શખ્સે કારનાં કાચ તોડી રૂપિયા સાડા ચાર લાખ તથા ૫૦૦ અમેરીકન ડોલરની ચોરી કરતાં આસપાસનાં અન્ય વેપારીઓ પણ ચોંકી ઉઠ્યા હતાં. પોલીસે ઘટના સ્થળની આસપાસનાં સીસીટીવી ફુટેજ મેળવી ચોરની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.