રાજકોટના કાગદડીમાં ૨ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ, ૧૫૦ પશુ તણાયાં
રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, પરંતુ રાજકોટના મોરબી રોડ પર આવેલા ખોબા જેવડા કાગદડી ગામમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું. માત્ર ૨ કલાકમાં જ ૧૨ ઇંચ વરસાદ ખાબકતાં ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ગ્રામજનોના કહેવા મુજબ, ૧૦૦થી ૧૫૦ પશુ તણાયાં છે, જેમાંથી ૨૫ના મૃતદેહ મળ્યા છે અને બાકીનાં પશુઓની હજુ સુધી ભાળ નથી. ૧૦૦ વર્ષમાં અમે આવો વરસાદ ક્યારેય જાેયો નથી. વરસાદે અમને મચ્છુ હોનારતની યાદ અપાવી હતી. ગામના નીચાણવાળા વિસ્તારોમાં માથાડૂબ પાણી ભરાયાં હતાં.
ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર દોઢથી બે કલાકના સમયમાં અમારા ગામમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને કારણે ગામ બેટમાં ફેરવાયું હતું. કોઇનું ખેતર ધોવાયું તો કોઇનાં પશુઓ તણાયાં છે, કોઇના ઘરની ઘરવખરી તણાય તો કોઇના ઘરે પડેલું તૈયાર અનાજ પલળી ગયું છે. ભારે વરસાદને કારણે માલધારીઓના વંડામાં રહેલાં પશુઓ તણાઈ ગયાં છે. વીજપોલ ધરાશાયી થઇ ગયાં છે. નદીકાંઠે આવેલાં ખેતરોમાં તો એવી સ્થિતિ થઇ હતી કે જાણે ખેતર નહિ, કોઇ નદીનો ખાલી પટ્ટ હોય. ગામના વડીલોનું કહેવું હતું કે ૧૦૦ વર્ષમાં ક્યારેય ન જાેઇ હોય તેવી તારાજી ગામમાં સર્જાઇ છે. જાે વધારે વરસાદ આવ્યો હોત તો સ્થિતિ વધુ ગંભીર બની જાત.
ખેતરોમાં એટલું ધોવાણ થયું છે કે વાવેતર કર્યું છે કે નહિ એ ખબર ન પડે એ રીતે મેદાન થઇ ગયું છે. અનેક ઘરોની ઘરવખરી વરસાદમાં પલળી ગઇ છે. ખેડૂતે મહેનત કરીને વાવેલું લસણ, ઘઉં, ચણા, જીરું, રાય સહિતના તૈયાર પાક પલળી ગયા છે તો અનેક ઘરોમાં વાવેતરનું ખાતર અને પશુઓ માટેનો ચારો પલળી ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષ પહેલાં વરસાદમાં જ ફેલ થયું છે. હવે સીધું શિયાળુ વાવેતર લઇ શકાશે. ત્યારે સરકારે આ અંગે સહાય કરવી જરૂરી છે.
પ્રવીણભાઇ લીંબાસિયા નામના ગ્રામજને જણાવ્યું હતું કે વરસાદની વાત કરીએ તો અમારે બારે મેઘ ખાંગા થયા હોય એવો ગણાય. ગામની અંદર પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતાં. ખેતરો ધોવાઈ ગયાં છે. ઘરવખરીની વાત કરીએ તો માપ વગરનું નુકસાન થયું છે. અંદાજિત ગણીએ તો ૧૦થી ૧૫ લાખની નુકસાની છે.ગામના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા ગામમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની ટીમ દ્વારા સર્વે હાથ ઘરવામાં આવ્યો છે. ગામના તલાટી મંત્રી સ્નેહલ મકવાણાના કહેવા પ્રમાણે મૃત્યુ પામેલાં પશુઓ, ખેતીના પાકને થયેલા નુકસાન અને ઘરવખરીમાં થયેલા નુકસાન અંગે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને તાત્કાલિક સહાય ચૂકવાય એ રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.