રાજકોટના TPO સાગઠિયાએ ૧૨ વર્ષથી પોતાની મિલકતો જાહેર કરી નથી
રાજકોટ મ્યુનિ.માં ભ્રષ્ટાચાર સાથે અધિકારીઓની મનમાની
રાજ્ય સરકારના આદેશ મુજબ, કેલેન્ડર વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન તમામ સરકારી કર્મચારીઓએ તેમની મિલકતો જાહેર કરવાની હોય છે
રાજકોટ,રાજકોટ અગ્નિકાંડ બાદ મનપાનાં ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ કરી પુરાવા એકત્ર કરવા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન મનસુખ સાગઠિયાએ સરકારી નિયમની ઐસીતૈસી કરીને મહેકમ શાખા સમક્ષ ૨૦૧૨ પછી પોતાની મિલકતો જાહેર કરી ન હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારના આદેશ મુજબ, કેલેન્ડર વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન તમામ સરકારી કર્મચારીઓએ તેમની મિલકતો જાહેર કરવાની હોય છે.
જેમાં કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર કે પોલીસ કમિશનર જેવા ઉચ્ચ હોદ્દાઓ ધરાવતા ક્લાસ વન અધિકારીઓ પણ બાકાત નથી. નાગરિકો આ મિલકતો જાણી શકે તે માટે વેબસાઇટ પર તે મુકવાની હોય છે. આ મુજબ મહાનગરપાલિકાની વેબસાઇટ પર પણ આવી મિલકતો મુકવામાં આવે છે. પણ આ વેબસાઈટમાં ૨૦૧૭ પછી એકપણ અધિકારીએ તેની મિલકત જાહેર કરી જ નથી. વર્ષ ૨૦૧૭માં પણ રોશની વિભાગના એક અધિકારીની વિગત જ અપલોડ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ ૩ અને ૪ને દર વર્ષને બદલે ૫ વર્ષે મિલકત જાહેર કરવાની છૂટછાટ આપી હતી. પણ બે વર્ષ પહેલા તેમાં ફેરફાર કરીને દર વર્ષે મિલકત જાહેર કરવાનો આદેશ કરાયો હતો.
આ આદેશ પછી મહેકમ શાખા દ્વારા દર વર્ષ પરિપત્ર જાહેર કરીને ક્લાસ ૧થી લઈને ૪ સુધીના અધિકારીઓને મિલકત જાહેર કરવાની યાદી અપાય છે. પણ તેનો અમલ કોઈ કરતું નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે, કોર્પાેરેશનનાં કોઈપણ અધિકારીએ ૨૦૧૭ પછી પોતાની વ્યક્તિગત કે વારસાગત મિલકત જાહેર કરી નથી. આ મામલે મહેકમ વિભાગના વડા સમીર ધડુકે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, આ તમામ માહિતીનો ડેટા મેન્યુઅલ છે
અને હાલ પોલીસ તપાસ સહિત કામગીરી ચાલતી હોવાથી આ માહિતી આપવાનો સમય મળે તેમ નથી.અન્ય અધિકૃત સુત્રોના જણાવ્યા અનુસાર, નિયમાનુસાર દરેક કર્મચારીઓ દર વર્ષે મિલકત જાહેર કરે છે. પણ મહેકમ શાખા તેનું સંકલન કરતી નથી અને માત્ર પોટલા વાળી દેવાય છે. આ કારણે વેબસાઈટ પર આવી મિલકતોની વિગતો અપલોડ થતી નથી. અન્ય કેટલાક કર્મચારીઓ એમ પણ જણાવે છે કે, મિલકતોની આ વિગતમાં વ્યક્તિગત અને વારસાગત મિલકતોની વિગતો પણ આપવાની હોય છે. ss1