રાજકોટની રહેવાસી પરીણિતાએ પ્રેમી સાથે મળી પતિની ગીર જંગલમાં હત્યા કરી

રાજકોટ: રાજકોટનાં રહેવાસી એક આધેડની તેની પત્નીએ પ્રેમી સાથે મળી અને ગીરના જંગલમાં હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટના ૫૧ વર્ષીય આધેડ મનોજભાઇ સીમેજીયાની સાસણનાં જંગલમાં ધારીનાં વન્યકર્મી હિંમત મહેતા અને રાજકોટની પત્ની વર્ષાએ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
બનાવની વિગત એવી છે કે રાજકોટ શહેરના કોઠારીયા મેઇન રોડ, રણુજા મંદિર સામે આવેલ બાલાજી પાર્કમાં રહેતા મનોજભાઇ કાંતીલાલ સીમેજીયાની ગત તા. ૧૨ નાં રોજ મેંદરડા પાસેનાં સાસણનાં જંગલમાં કાંઠાળા નેસ્ટ જતા રસ્તે અવાવરૂ જગ્યાએથી લાશ મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલતા મૃતકની હત્યા થયાનો રિપોર્ટ સામે આવ્યો હતો.આ અંગે મેંદરડા પોલીસ દ્વારા તપાસ કરતાં અને મૃતકનાં પરિવારજનોનાં નિવેદન લેતા ચોકાવનારી હકીકતો સામે આવી હતી. રાજકોટની વર્ષા નામની મહિલા અને ધારી દેવડાનો હિંમત મહેતાએ મનોજભાઇની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો.
આ અંગે ગઇકાલે સાંજે મેંદરડા પોલીસે મૃતકનાં પુત્ર રજનીકાંત સીમેજીયાએ વર્ષા અને હિંમત સામે મનોજભાઇની હત્યાની ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાનાં આ બનાવમાં વર્ષા અને હિંમત મહેતા વચ્ચે આડા સંબંધ હતા જેના કારણે પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવ બંને એ કાવતરૂ રચી વર્ષાએ મૃતક મનોજભાઇને ફરવાનાં બહાને હિંમત મહેતા સાથે મોકલેલ.
કરીબાદમાં બંનેએ સાસણના જંગલમાં અવાવરૂ જગ્યાએ મનોજ સીમેજીયાને મારી નાખી લાશનો નાશ કરવા મૃતદેહને જંગલમાં મુકી પુરાવાનો નાશ કરીને વર્ષા અને હિંમત નાસી ગયા હતાં. આ હકિકતના આધારે પોલીસે બંનેને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.