રાજકોટની લૂટેરી દુલ્હન : સવારે ૭ વાગ્યે ઘરે આવી અને સાંજે રૂપિયા અને ઘરેણા પડાવીને ફરાર!
રાજકોટ, લગ્નની જાળમાં ફસાવી લગ્ન કરી અને બાદમાં રૂપિયા અને ઘરેણા પડાવીને ફરાર થઇ જવાના કિસ્સાઓ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સામે આવ્યા હતા. થોડા મહિનાઓ પહેલા આ જ રીતે દુલ્હન દ્વારા લગ્ન કર્યા બાદ ફરાર થઇ જવાના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ પણ રાજકોટમાં થયો હતો. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના એક યુવકે ૮૦ હજાર આપી નાસિકની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્ન બાદ યુવક સાથે જે બન્યું હતું તે કિસ્સો જાણવો ખૂબ જરૂરી છે. સવારે સાત વાગ્યે આવેલી દુલ્હન પતિને ચકમો આપીને સાંજે સાત વાગ્યે રફુચક્કર થઈ ગઈ હતી. દુલ્હન ભાગ્યાની પાંચ જ મિનિટમાં પતિએ ઠેર ઠેર શોધખોળ આદરી પરંતુ ગાયબ થઈ ગયેલી દુલ્હન મળી ન હતી.
શહેરના કુવાડવા રોડ રોહીદાસપરામાં રહેતા અને ટિપરવાનમાં હેલ્પર તરીકે નોકરી કરતાં ધનજીભાઇ મકવાણાની લગ્નની ઉંમર થઇ હતી. પરંતુ તેને અહીં કોઈ યુવતી મળતી ન હોવાથી બીજા રાજ્યોમાં પણ યુવતી શોધતો હતો. દરમિયાન કોઠારિયામાં રહેતો સુરેશ લગ્ન કરાવી દેતો હોવાની જાણ થતાં ધનજીભાઇએ તેનો સંપર્ક કર્યો હતો. સુરેશે નાસિકમાં ૮૦ હજાર આપી લગ્ન કરાવી દેવાની ખાતરી આપી હતી અને તે માટે પોતાના ખર્ચના પાંચ હજારની માંગ કરી હતી.
ધનજીભાઇએ સુરેશને પાંચ હજાર ચૂકવ્યા હતા અને લગ્ન કરવા જવાનું નક્કી થયું હતું. ગત પહેલી ડિસેમ્બરે ધનજીભાઇ, તેના કાકા ચતુરભાઇ, સુરેશ, તેનો બનેવી રમેશ કાર ભાડે કરીને રાજકોટથી નાસિક પહોંચ્યા હતાં, જ્યાં સુરેશે ગૌશાળાની બિલ્ડિંગમાં એક યુવતી બતાવી હતી. યુવતી અને ધનજીભાઇએ એકબીજાને પસંદ કરતાં લગ્નનું નક્કી થયું હતું અને એ દિવસે જ યુવતી સાથે આવેલી અને દીદી તરીકે ઓળખ આપનાર મહિલાને ધનજીભાઇએ ૮૦ હજાર આપ્યા હતા.
બીજી તારીખે સવારે ગૌશાળામાં જ બંનેના ફૂલહાર કરી લગ્નવિધિ પૂરી કરવામાં આવી હતી. લગ્ન બાદ યુવતી, ધનજીભાઇ અને તેની સાથેના લોકો રાજકોટ આવવા નાસિકથી કારમાં રવાના થયા હતા અને ત્રીજી તારીખે સવારે સાત વાગ્યે રાજકોટના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ધનજીભાઇના માતાએ નવવધૂને પોંખ્યા હતા અને ગૃહપ્રવેશ કરાવ્યો હતો.ઘરે પહોંચતા જ નવવધૂએ પોતે થાકી ગઇ છે તેમ કહી સૂવા જતી રહી હતી અને સાંજે જાગી હતી.
જાગ્યા બાદ યુવતીએ નવા કપડાં લેવાની ઇચ્છા વ્યક્ત કરતા ધનજીભાઇ તેને ગુંદાવાડી માર્કેટે લઇ ગયા હતા અને ત્યાં ત્રણ ડ્રેસ તથા ચંપલ ખરીદી આપી બંને પરત પોતાના ઘરે આવ્યા હતા. સાંજે યુવતીએ ઘૂઘરા ખાવાની ઇચ્છા વ્યક્ત કરતાં ધનજીભાઇ ઘૂઘરા લઇ આવ્યા હતા. ધનજીભાઇ, તેના નાનાભાઇ તથા યુવતીએ સાથે ઘૂઘરાનો ખાધા હતા. ત્યારબાદ સાંજે સાત વાગ્યે પોતાને કપડાં બદલવા છે તેમ કહી ધનજીભાઇ અને તેના નાનાભાઇને બહાર જવાનું કહેતા બંને ભાઇઓ બીજા રૂમમાં ગયા હતા.બંને બીજારૂમમાં જતાં જ યુવતીએ પોતાનો રૂમ અંદરથી બંધ કરી દીધો હતો અને રૂમના બીજા બારણેથી બહાર નીકળી નાસી ગઇ હતી.જોકે આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી.