રાજકોટની સમરસ કોવિડ હોસ્પિટલમાં જિલ્લા વહિવટી તંત્રની સંવેદનાપુર્વક કામગીરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
દર્દી અને તેના સગા માટે હેલ્પ ડેક્સ, હેલ્પલાઇન અને દર્દીને પાર્સલ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઇ
રાજકોટ, રાજકોટ જિલ્લામાં કોરોનાના વધતા કેસો સામે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને સરકારની માર્ગદર્શિકા પ્રમાણે કોરોનાના દર્દીઓની સારવાર માટે અને દર્દીના સગાઓ માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.રાજકોટની સમરસ હોસ્ટેલના બિલ્ડિંગોમાં ૧૦૦૦ બેડની હોસ્પિટલ તૈયાર થઈ છે.
જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહનનું માર્ગદર્શન અને અધિક કલેકટર મેહુલ દવેની દેખરેખ હેઠળ નાયબ કલેકટરશ્રી ચરણસિંહ ગોહિલ અને નાયબ કલેકટર વીરેન્દ્ર દેસાઈના સંકલન હેઠળ રાજકોટની સમરસ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓ અને તેના સગા વહાલાઓ વચ્ચે સંપર્ક રહે તે માટે હેલ્પ લાઈન અને હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત દર્દીઓ માટે કેટલીક જીવનજરૂરિયાતની વસ્તુઓ તેના સગાઓ આપવા માંગતા હોય તો એ માટે પાર્સલ સર્વિસ પણ વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે તેમ અહીં ફરજ પરના મામલતદાર શ્રી કે.એમ.કથિરિયાએ જણાવ્યું હતું.
સમરસ હોસ્ટેલમાં દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લઇ રહ્યા છે, ત્યારે આ તમામ દર્દીઓને આ સેવા મળે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તંત્ર દ્વારા આ કામગીરી માટે સ્ટાફની પણ નિયુક્તિ કરવામાં આવી છે.
જે દર્દીના પાર્સલ હોય તેને નંબર આપીને કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી દર્દી જે બિલ્ડીંગ અને ફલોર પર હોય ત્યાં હોસ્પિટલની અંદરના એટેન્ડેન્ટ દર્દીને તેનુ પાર્સલ પહોંચાડી દે છે અને પાર્સલ દર્દીને આપી દીધાનુ ઇન્ટર્નલ કોમ્યુનિકેશન પણ કરે છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ પ્રશાસન ઝડપી કામગીરી કરી રહ્યું છે.
કોરોનાની મહામારીમાં કોરોનાના દર્દીઓ વધતા રાજ્યમાં ઝડપથી જુદી જુદી વ્યવસ્થાઓ સંવેદનાપૂર્વક ઊભી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં પણ સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહીવટીતંત્રના અને આરોગ્ય વિભાગના તેમજ અન્ય વિભાગના અધિકારીઓ સંકલન કરીને કોરોનાની મહામારીમાં રાત-દિન કામ કરી રહ્યા છે.