રાજકોટની હોસ્પિટલમાં આગથી કોરોનાના છ દર્દીનાં કરુણ મોત
રાજકોટ: રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગજનીનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગજનીના બનાવ માં અત્યાર સુધીમાં છ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજ સિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ ૩૩ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે ૩૩ દર્દીઓ પૈકી ૧૧ દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા. આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટસર્કિટ થવાના કારણે લાગ્યો હતો.
જે આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા ૧૧ પૈકી ૫ જેટલા દર્દીઓ આગજનીના બનાવ ના કારણે મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા ૨૨ દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગમાં ૬ લોકોનાં મોત થયા છે. આ મામલા પર રાજ્યના મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપવાની સાથોસાથ આગનો ભોગ બનેલા દર્દીઓના પરિવાર પ્રત્યે દુઃખ પણ વ્યક્ત કર્યું છે.
આઈસીયુ વોર્ડમાં જ્યારે આગ લાગી ત્યારે તેમાં ૧૧ દર્દી સારવાર લઈ રહ્યા હતા જેમાંથી ૬ દર્દીનાં મોત થયા છે. નોંધનીય છે કે પ્રાથમિક દૃષ્ટિએ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય એવું કહેવામાં આવી રહ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે ઘટનાને પગલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જે કોઈ પણ આ ઘટના મામલે કસૂરવાર હશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા સાથેની વાતચીતમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ના તબીબ ડૉ તેજસ કરમટા એ જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બર માસમાં અમારી હોસ્પિટલને કોવિડ કેર શરૂ કરવાની પરવાનગી મળી હતી.
અમારી હોસ્પિટલ પાસે ફાયર એનોસી સહિતના તમામ દસ્તાવેજી પુરાવાઓ છે. સમગ્ર આગજનીની જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે. આઈસીયુમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગજની નો બનાવ બનવા પામ્યો છે. સમગ્ર મામલે રાજકોટ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસે ફાયર સેફટી ના તમામ સાધનો છે તેમ છતાં આગજનીના બનાવ સમયે કોઇપણ કારણોસર તેનો ઉપયોગ થઈ શક્યું નથી જેના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઇ છે
ત્યારે ભગવાન તમામ મૃતકોના આત્માને શાંતિ આપે. બનાવની જાણ થતા રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય પણ ઉદય શિવાનંદ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસે ફાયર ની એનોસી છે સાથોસાથ ફાયરસેફ્ટીના તમામ સાધનો હોવા છતાં દુર્ઘટના ઘટી છે.