રાજકોટમાં ઓક્સિજનની બોટલો લૂંટવાનો પ્રયાસ કરવા ઉપરાંત ઝપાઝપી કરાઇ
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોરોનાની જે સ્થિતિ થઈ છે તે જાેતા કોરોનાના દર્દીઓના પરિવારજનો હવે ધીરજ ખૂટી હોય તેવું લાગી રહ્યું છે. તેમજ ચારે તરફ જ્યારે આભ ફાટ્યું હોય ત્યારે થીગડા દેવાથી કેમ કામ ચાલે તેવી સ્થિતિ સર્જાય છે.રાજકોટમાં આવેલીખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ખલાસ થઇ રહ્યો છે. જિલ્લા કલેક્ટરે પોતે પણ ઓક્સિજનની અછત હોવાનું સ્વિકાર્યું છે. તેવામાં નાગરિકો ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે. ઓક્સિજનના અભાવમાં પોતાના પરિજનોને મૃત્યુના મુખમાંથી બચાવવા માટે પરિવારજનો હવે ઓક્સિજન પર જાણે મીટ માંડીને બેઠા હોય એવામાં તંત્રની નિષ્ફળતા સામે લોકોનો રોષ જાેવા મળી રહ્યો છે.
લોકો ઓક્સિજનની લૂંટ કરવા માટે તત્પર બન્યા છે.આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી હતી. જ્યાં ઓક્સિજનની એક એજન્સી પર ૨૦૦ લોકોનું ટોળુ ધસી ગયું હતું. ઓક્સિજન એજન્સીનાં માલિક સાથે માથાકુટ કરી હતી. ઓક્સિજનની બોટલો લૂંટવાનો પ્રયાસ કરવા ઉપરાંત ઝપાઝપી પણ કરી હતી. શાપર ખાતેની એજન્સીમાં આ ઘટના બન્યા બાદ હવે તંત્ર વધારે સતર્ક બન્યું છે.
આ ઘટનાના પગલે મામલતદાર સહિતનાં ૩૦ કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક એજન્સીઓ પર નજર રાખવા ઉપરાંત કલેક્ટરે વધારે ૧ અધિકારીઓને પણ આ પ્રકારની જવાબદારી સોંપી છે. જેના કારણે અધિકારીઓ હવે ૨૪ કલાક આ એજન્સીઓ પર નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખી રહ્યા છે. રાજકોટમાં હવે કુલ ૪ ઓક્સિજન એજન્સી પર ૨૪ કલાકમાં ૩ અધિકારીઓ ફાળવી દેવાયા છે. ૮-૮ કલાકની શિફ્ટમાં આ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે.