રાજકોટમાં કુખ્યાત ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો આખરે ઝડપાયો
આખી ગેંગની ૫૦ ગુનાઓની ક્રાઇમ કુંડળી છે-ઈભલા અને તેના સાગરિતો વિરૂદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, બળજબરીથી પૈસા પડાવવા સહિત ઘણા ગુના નોંધાયા છે
રાજકોટ, રાજકોટ શહેરમાં ત્રણ માસથી ફરાર આરોપી ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો કાથરોટીયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હત્યાના પ્રયાસના ગુનામાં ઇબ્રાહિમ અને તેની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. કુલ સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો જે પૈકી છ શખ્સોની અગાઉ ધરપકડ કરી લેવામાં આવી છે.
જ્યારે કે મુખ્ય આરોપી ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો કરીમભાઈ કાથરોટીયા ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ પીએમ ધાખડા અને તેમની ટીમના અમિતભાઈ અગ્રાવત નગીનભાઈ ડાંગર તેમજ પ્રદિપસિંહ જાડેજાને બાતમી મળી હતી કે
એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપી ઇબ્રાહિમ બામણબોર નજીક આવ્યો છે. તે બાબત ની હકીકત મળતા પહેલેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવતા આરોપી ઇબ્રાહિમ ઝડપાયો હતો. હત્યાના પ્રયાસના ગુનામાં પોલીસે અગાઉ સલીમ કરીમભાઈ કાથરોટીયા, જાવીદ ઉર્ફે સિકંદર કરીમભાઈ કાથરોટીયા, ફિરોઝ કરીમભાઈ કાથરોટીયા, મહંમદ ઉર્ફે મેબલો કરીમભાઈ કાથરોટીયા, ફારૂક ભાઈ કટારીયા અને સમીરભાઈ હાસમભાઇ કટારીયા ની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોચી બજારમાં ૧૯ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ હત્યાના પ્રયાસનો એક બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં મુખ્ય સૂત્રધાર કુખ્યાત ઈભલા ઉર્ફે ઇબ્રાહિમ કરીમભાઈ કાથરોટિયા અને તેની ટોળકીની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો મોચી બજારના ખાટકીવાસમાં રહેતા અલ્તાફભાઈના પુત્રનું બાઈક થોડા દિવસો પહેલા ઈભલાના ભાઈ સલીમ કાથરોટિયા અને ફિરોઝ કટારિયાએ કેસરી હિન્દ પુલ નજીકથી પડાવી લીધું હતું.
બાઇક પરત આપી દેવા માટે અલ્તાફભાઈએ આરોપીના ભાઈને ફોન કરતાં ઝઘડો થયો હતો. આ ઝઘડાનું વેર રાખીને ૧૯ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ નામચીન ઈભલો ઉર્ફે ઈબ્રાહીમ હબીબભાઈ કાથરોટિયા અને તેની ટોળકીએ મચ્છીપીઠ નજીક અલ્તાફભાઈ અને તેના ભાણેજ અક્રમ ઉપર છરી તેમજ ધોકાથી હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈભલા ખાટકી અને તેની ટોળકીના માણસો વિરૂદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, બળજબરીથી પૈસા પડાવવા સહિત ૫૦થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે.