Western Times News

Gujarati News

રાજકોટમાં કુપોષિત બાળકને સુપોષિત બનાવતાં પાલક વાલી સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી

રાજકોટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે  જણાવ્યું હતું કે ગુજરાતની ભાવિ પેઢીને સમૃધ્ધ બનાવવા અને નયા ભારતના નિર્માણમાં ગુજરાતને રોલ મોડલ બનાવવા ગુજરાતના બાળકો કુપોષણમુકત બને તે અત્યંત આવશ્યક છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનાં અધ્યક્ષસ્થાને રાજકોટ વિધાનસભા-૬૯ હેઠળનાં કુપોષિત બાળકના પાલકવાલી સાથે સંવાદ કાર્યક્રમ મેયર બંગલા ખાતે યોજાયો હતો. તેમાં વોર્ડ નં-૧,૨,૩,૭,૮,૯,૧૦ ના પાલકવાલીઓએ પોતાના  દતક લીધેલ બાળકોને તંદુરસ્ત બનાવવા સહિતના પગલાની માહિતી આપી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પોષણ અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આપણા પૂર્વજોએ ગુજરાતને સમૃધ્ધ બનાવવાના જે નિર્ણયો  કર્યા હવે તેનાથી આગળ વધીને ગુજરાતને વધુ ઉંચાઇ ઉપર લઇ જવાનું કાર્ય રાજ્ય સરકાર કરી રહી છે, ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા જઇ રહ્યા છીએ ત્યારે કુપોષણ આપણા માટે સૌથી મોટો પડકાર છે. રાજ્ય સરકાર આ પડકાર સામે જંગની જેમ લડી રહી છે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે રાજ્ય સરકારે આ વખતના બજેટમાં ૩૦૦૦ કરોડ રૂપિયા આંગણવાડી તેમજ પોષણ અભિયાન માટે ફાળવ્યા છે. ગુજરાત તમામ કુપોષિત બાળકોને રેડ લાઇનમાંથી ગ્રીન લાઇનમાં લઇ જવા છે. આપણે કુપોષણમુકત ગુજરાત બનાવવું છે.

મુખ્યમંત્રીશ્રીએ પાલકવાલીઓને જણાવ્યું હતું કે પાલક માતા-પિતા પોતાની આંગણવાડી અને તેના બાળકો માટે સાચા અર્થમાં માતા-પિતા બની રહે અને તેમના રોજીંદા કાર્યોની માહિતી પાલકવાલી એપમાં મૂકાય તે જરૂરી છે. રાજકોટ વિધાનસભા-૬૯ વિસ્તારના ૧૪૫ પાલકવાલીઓ તેમના વિસ્તારના તમામ બાળકોને તંદુરસ્ત બનાવશે તેવી શુભેચ્છા મુખ્યમંત્રીશ્રીએ પાલક વાલીઓને પાઠવી હતી.

પોષણયુકત અભિયાનમાં લોકભાગીદારી જરૂરી હોવાનું જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે કિશોરીઓ એનેમિક ન રહે, સગર્ભા માતા પોષણયુકત બને, બાળકો તંદુરસ્ત બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. ત્યારે સમાજ શ્રેષ્ડીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, ડોકટરોનો પણ સહકાર અનિવાર્ય છે.

અગ્રણીશ્રી નીતીન ભારદ્વાજે ઉપસ્થિત ૧૪૫ જેટલા કુપોષિત બાળકના પાલક વાલીઓને જણાવ્યું હતું. કે, આપણા વિસ્તારનો એક પણ બાળક કુપોષિત ન રહે, સંપૂર્ણ તંદુરસ્ત બને તે માટે આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવાનું છે. આપણા વિસ્તારના બાળકો સંપૂર્ણ તંદુરસ્ત બનવા જોઇએ. પાલક માતાપિતાએ જે બાળકોને દત્તક લીધા છે તેના માટે લેવામાં આવતી સંભાળ વિશેની માહિતી પાલક માતા-પિતાએ રજૂ કરી હતી.

આ પ્રસંગે મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય,  ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા અને અરવિંદભાઇ રૈયાણી, અગ્રણીશ્રી કમલેશભાઇ મીરાણી, શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રીમતી અંજલીબેન રૂપાણી, કલેક્ટરશ્રી રેમ્યા મોહન મ્યુ.કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ, નગરસેવકો, તબીબો ઉપસ્થિત રહ્યા હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.