રાજકોટમાં કોરોનાથી એક જ કુટુંબના સભ્યોનાં મોત
દીકરીએ બાળકને જન્મ આપ્યાના ચાર દિવસની અંદર તેનું અવસાન, પુત્ર માતાનું અવસાન થતાં મમતા વિહોણો બન્યો
રાજકોટ: શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ કોરોના સંક્રમણ દિવસે અને દિવસે વધતું જઈ રહ્યું છે. જેના કારણે શહેરી વિસ્તારની જેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુમાં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે કાળમુખા કોરોનાના કારણે વધુ એક પરિવારનો સુખી-સંપન્ન માળો વેર વિખેર થઈ ગયો છે. હેરભા પરિવાર ઉપર જાણે કે આભ તૂટી પડ્યુ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના નજીક આવેલા ઉમરાડી ગામ માં આહિર પરિવારના ત્રણ જેટલા સભ્યો કોરોના સંક્રમિત થયા બાદ તેમનું મૃત્યુ નિપજ્યું છે.
જેના કારણે નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું, પરિવારનો આક્રંદ જાેઈ ગામ પણ હિબકે ચઢ્યું. ઉમરાડી ગામના દેવરાજભાઈ ભાનુભાઈ હેરભાની ગર્ભવતી દીકરી શીતલ બહેન કોરોના સંક્રમિત થઈ હતી. શીતલ બહેને તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હતો અને બાળકને જન્મ આપ્યાના માત્ર ચાર દિવસની અંદર જ તેનું અવસાન થયું હતું. ચાર દિવસનો દીકરો માતાનું અવસાન થતાં માતાની મમતા વિહોણો બન્યો છે.
પૌત્રીના અવસાનથી આઘાતમાં સરી પડેલા દાદા ભનુભાઇનો પણ નિધન થયું હતું. જે બાદ કનુભાઈ નાના દીકરા ભરતભાઈ કોરોના સંક્રમિત થતા તેનું પણ મૃત્યુ નિપજયું છે. આમ, એક અઠવાડિયામાં દાદા પૌત્રી અને ત્યારબાદ ચાર પાંચ દિવસમાં પુત્ર ભરતનું કોરોના સંક્રમિત થતા મૃત્યુ નિપજતા પરિવારે માત્ર ટૂંકા સમયગાળા દરમિયાન પરિવારના ત્રણ જેટલા સભ્યોને ગુમાવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગોંડલ શહેરમાં રહેતા ભાલાળા પરિવારના ત્રણ જેટલા સભ્યો નું કોરોનાના કારણે મૃત્યુ નિપજતા ભાલાળા પરિવાર પર અણધારી આફત આવી પડી છે. માત્ર ૧૨ દિવસના સમયગાળામાં વૃદ્ધ માતાપિતા અને ત્યારબાદ ઘરના આધારસ્તંભ એવા પુત્રનું પણ કોરોનાથી નિધન થયું છે. કોરોના મહામારીની સાથે સાથે કુદરત પણ ક્રૂર અને દયાહીન બનતો હોઈ એવું લાગી રહ્યો છે.