રાજકોટમાં કોરોનાના ખતરા વચ્ચે મહિલાનું સ્વાઇન ફ્લૂથી શંકાસ્પદ મોત
રાજકોટ: ગુજરાતમાં સદનસિબે કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ દરમિયાન સરકારે અગમચેતીના ભાગરૂપે સ્કૂલ-કાલેજો અને સિનેમાઘરોને બંધ રાખવાનો આદેશ કર્યો છે. બીજી તરફ સરકાર તરફથી દરેક જિલ્લાની હાસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટ ખાતે એક મહિલાનું મોત થયું છે. જોકે, મહિલાનું મોત સ્વાઇન ફ્લૂને કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્વાઇન ફ્લૂની આશંકાને પગલે મહિલાની ખાનગી હાસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જોકે, મહિલાનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. રિપોર્ટ સામે આવ્યા બાદ જ મહિલાના મોતનું કારણ જાણી શકાશે.
ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે સરકાર સક્રિય બની છે. જે અનુસંધાને સરકાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ એક્ટની કલમ ૨, ૩ અને ૪ પ્રમાણે અધિકારીઓને કેટલિક સત્તા આપવામાં આવી છે, તેમજ કેટલાક આદેશ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારે વધુ એક જાહેરનામું બહાર પાડીને જાહેર નજતાને સામુહિક મેળાવડાઓ ન કરવા અથવા પાછળ ઠેલવવા માટે અપીલ કરી છે. સાથે જ સરકારી કચેરીઓ કે સંસ્થાઓ તરફથી યોજતા વર્કશોપ કે સેમિનાર ૩૧મી માર્ચ સુધી ન કરવાની સૂચના આપી છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરપથી કોરોના વાયરસ અંગે એક પરિપત્ર બાહર પાડવામાં આવ્યો છે. જે પ્રમાણે નોવેલ કોરોના વાયરસ તરફથી વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં આ રોગના કુલ-૮૧ કેસ નોંધાયેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાચ્છોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. તકેદારીના પગલારૂપે રાજ્યમાં કોઇ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તાત્કાલિક અસરથી તમામ સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં યોજાતા વર્કશોપ, સેમિનાર, કોન્ફરન્સો તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી મોકૂફ રાખવા જણાવવામાં આવે છે.આમ નાગરિકોને પણ આ સમય દરમિયાન તકેદારીના ભાગરૂપે સામુહિક કે સામાજિક મેળાવડાઓના નાનાં-મોટા પ્રસંગો ટાળવા કે મોકૂફ રાખવા અપીલ કરવામાં આવે છે, આ બાબત જિલ્લા સ્તરેથી જાહેર જનતા સુધી પહોંચાડવા જણાવવામાં આવે છે.