રાજકોટમાં ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી
બાળકી ઘર પાસેથી ગાયબ થઈ હતી-પોલીસે બાળકીની સાથે દુષ્કર્મ થયો હોવાની સંભાવના દર્શાવી છે, તપાસ માટે ૫ પોલીસ ટીમ બનાવવામાં આવી
રાજકોટ, શુક્રવારે રાજકોટના ગોંડલ રોડ પર પુનિતનગર પાસે એક અંડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ સાઇટ પરથી ગળું કપાયેલી હાલતમાં છ વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનના ઈન્સ્પેક્ટર જે.વી. ઢોલાએ જણાવ્યું કે, ભોગ બનનાર નેન્સી અમલીયાર ગુરુવારે બપોરે તેના ઘર પાસેથી ગુમ થઈ ગઈ હતી.
પોલીસ ઈન્સ્પેક્ટર ઢોલાએ જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી જે દર્શાવે છે કે તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. પોલીસ હવે અજાણ્યા હુમલાખોરોની સંખ્યા જાણવા તેમજ બાંધકામ સ્થળે રહેતા મજૂરોની પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઈન્સ્પેક્ટર ઢોલાએ ઉમેર્યું કે, ‘બાળકીના પિતા અરવિંદ (૨૭ વર્ષ) અને સાવકી માતા કાલી (૨૩ વર્ષ) બાંધકામ સ્થળ પર મજૂરી કામ કરે છે, જ્યાં તેઓ ઝૂંપડીમાં રહે છે. તેઓએ કહ્યું કે, બાળકી તેમના ઘરની પાસે રમતી વખતે ગુમ થઈ હતી. જોકે, શોધળોળ દરમિયાન બાળકી ક્યાંય ન મળી આવતા તેઓ બાળકી ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ સાથે અમારી પાસે આવ્યા હતા.
સમગ્ર ઘટના અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ક્રાઈમ બ્રાંચની તપાસ સહિત પાંચ ટીમો બનાવવામાં આવી છે. જેમાંથી એક ટીમ ગુના સમયે ઘટનાસ્થળ નજીક રહેતા લોકોના મોબાઈલ લોકેશનની તપાસ કરી રહી છે, ત્યારે બીજી ટીમ ફોરેન્સિક નિષ્ણાતોને ઘાતક હત્યા પાછળ મોડસ ઓપરેન્ડી અને હેતુ શોધવા માટે મદદ કરી રહી છે.