રાજકોટમાં જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી અપાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Rath-yatra.jpg)
રાજકોટ: ગઈકાલે સરકાર દ્વારા અમદાવાદની રથયાત્રાને શરતોને આધીન રહીને મંજૂરી આપી હતી. ત્યારે હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ રથયાત્રા નીકળે તેવી ભક્તોની લાગણી અને માંગણી છે. ત્યારે રાજકોટમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી અપાઈ છે. નાના મૌવાના કેલાસ ધામ મંદિરેથી નીકળતી રથયાત્રાને મર્યાદિત રૂટ સાથે મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા મંદિરથી એક કિલોમીટર વિસ્તારમાં મર્યાદિત લોકોં સાથે રથયાત્રા નીકળશે. રથયાત્રાને પરમિશન આપતા જ ભક્તોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જાેવા મળી રહી છે. તંત્ર દ્વારા રથયાત્રા કાઢવા પર અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. બીજી તરફ, રાજકોટ શહેરમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું સ્વાગત અને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
જેમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનો ભંગ કરાયો હતો. સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કરાયો હતો. ત્યારે લોકોએ આક્ષેપ કર્યા કે, શું ભાજપને આ પ્રકારે તમામ કાર્યક્રમો યોજવાની છૂટ છે? અષાઢી બીજની રથયાત્રા માટે થોકબંધ નિયમો લગાવાયા છે, તો શું આવા કાર્યક્રમોને કોઈ નિયમો લાગુ પડતા નથી. વધુ એક વાર, ભાજપના નેતાઓએ ભીડ સર્જીને માસ્ક-ડિસ્ટન્સના નિયમો ખુલ્લેઆમ નેવે મુક્યા છે.