રાજકોટમાં તબીબ અને સ્ટાફ સાથે દર્દીના સગાની મારામારી
બીજી તરફ કોરોના સંક્રમિત દર્દીઓનાં પરિવારજનોની ધીરજ ખૂટી રહી હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે
રાજકોટ, રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેના જ કારણે સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં દર્દીના દાખલ કરવા માટે લાંબુ વેઇટિંગ જાેવા મળી રહ્યું છે. બીજી તરફ કોરોના સંક્રમિત દર્દીઓનાં પરિવારજનોની ધીરજ ખૂટી રહી હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં પેશન્ટને દાખલ કરવું જ પડશે તેમ કહી તબીબ અને તેના સ્ટાફને માર માર્યો હોવાનું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. આ અંગેને સીસીટીવી પણ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંસ્કાર કુંજ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવનાર અમર કાનાબારે એ ડિવિઝન પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રવિવારની રાત્રે હું દસ વાગ્યા આસપાસ હોસ્પિટલમાં હાજર હતો. આ સમયે રિસેપ્શનમાં તેજસ ગોસ્વામી અને જયદીપ ડોડીયા નામના કર્મચારીઓ બેઠા હતા.
ત્યારે જયદીપ ડોડીયાનો મને ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું કે સાહેબ આપ નીચે આવો. ત્રણ શખ્સો પૈકી એક શખ્સે જયદીપ પાસેથી ફોન ઊંચકીને કહ્યું હતું કે, તું નીચે આવ. હું દિવ્યરાજસિંહ ઝાલા આર. આર. હોટલવાળો બોલું છું. હું તાત્કાલિક નીચે રિસેપ્શન પર પહોંચતા દિવ્યરાજસિંહ ઝાલાએ મને કહ્યું હતું કે, અમારું પેશન્ટ લેવું જ પડશે.
જેથી મેં તેમને કહ્યું હતું કે સ્ટાફનો અભાવ છે, બેડની વ્યવસ્થા અને ઑક્સિજનની લાઈનવાળા બેડ અત્યારે ઉપલબ્ધ નથી. આટલું કહેતા દિવ્યરાજસિંહ તરીકે પોતાની ઓળખાણ આપનાર વ્યક્તિની સાથે આવેલા બે શખ્સોએ મારી સાથે ગાળાગાળી શરૂ કરી હતી.
જેથી મેં ગાળો બોલવાની ના પાડતાં દિવ્યરાજસિંહે મને ઢીકાપાટુનો માર મારવાનું ચાલુ કરી દીધું હતું. હોસ્પિટલ સ્ટાફના જયદીપ અને તેજસભાઈ મને બચાવવા વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન આ ત્રણેય શખ્સો માથાકૂટ કરી હોસ્પિટલની બહાર નીકળી ગયા હતા.
થોડીવાર પછી ત્રણેય શખ્સો અમને મારવાના ઇરાદે પાછા હૉસ્પિટલમાં આવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે તમે કેમ અમારું પેશન્ટ અહીં દાખલ નહીં કરો? એમ કહી બીજી વખત પણ ગાળો આપી માર માર્યો હતો.
બાદમાં હૉસ્પિટલ કર્મચારી હર્ષિલભાઈ કોટકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં આ ત્રણેય લોકોએ કહ્યું હતું કે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય તો કરી લો. આવું કહી તેઓ ફરી એક વખત ગાળો બોલવા માંડ્યા હતા.