Western Times News

Gujarati News

રાજકોટમાં દારૂ ઘૂસાડવા કન્ટેનરનું પાયલોટિંગ કરતાં મહિલા PSI સહિત ત્રણ સસ્પેન્ડ

ગાંધીનગર,સામાન્ય રીતે ગુનો કરતા લોકોને પોલીસ પકડતી હોય છે એવામાં પણ ગુજરાતમાં દારુબંધી હોવાથી આ દિશામાં પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી થવી જાેઈએ તેના બદલે રાજકોટમાં બનેલી ઘટનાએ સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે.અહીં દારુના કન્ટેનરને રાજકોટ શહેરમાં ઘૂસાડવા માટે ખુદ પોલીસ દ્વારા જ પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા? આ કેસમાં મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર સહિત ટીમની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.

દરમ્યાન ઉચ્ચ અધિકારીઓ દ્વારા મહિલા પીએસઆઈ સહિત ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. દારુ ભરેલા કન્ટેનરને કોના કહેવા પર લાવવામાં આવી રહ્યું હતું? શું બૂટલેગરો સાથે પોલીસની કોઈ સાંઠગાંઠ હતી તે અંગેના સવાલો ઉભા થઈ રહ્યા છે. ખુદ પોલીસની ગાડી દારુ ભરેલા કન્ટેનરનું પાઈલોટિંગ કરી રહી હતી અને કન્ટેનરમાં પોલીસકર્મી પણ બેઠેલા હતા. આ કામગીરી બદલ સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) દ્વારા મહિલા પીએસઆઈસહિતના તમામ પોલીસકર્મીઓને ઝડપી પાડીને ફરિયાદ નોંધાવીને કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ્‌સ મુજબ રાજકોટથી ૮૦ કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતા સાયલા પોલીસ સ્ટેશનની હદમાં રાજકોટ સિટી ક્રાઈમ બ્રાન્ચના મહિલા પીએસઆઈભાવના કડછા સહિત ચાર પોલીસકર્મી દ્વારા દારુ ભરેલા કન્ટેનરનું પાઈલોટિંગ કરવામાં આવી રહ્યું હતું. જેમાં પીએસઆઈની ગાડી દારુ ભરેલા કન્ટેનરની આગળ ચાલી રહી હતી અને તેમાં અન્ય પોલીસકર્મી પણ હતા જ્યારે કન્ટેનરની અંદર બે કોન્સ્ટેબલ સવાર હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલે દારુની પેટીઓથી ભરેલા કન્ટેનરને સાયલા પાસે રોકીને તપાસ કરતા મોટો ભાંડો ફૂટ્યો હતો. આ કેસમાં રાજકોટ સિટી ક્રાઈમ બ્રાન્ચના મહિલા પીએસઆઈભાવના કડછા સહિત ત્રણ હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલની અટકાયત કરી લેવામાં આવી છે. દારુ ભરેલા કન્ટેનરનું પાઈલોટિંગ કરી રહેલા પીએસઆઈભાવના સહિતના પોલીસકર્મીઓની અટકાયત કરીને તેમને સાયલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે જે કન્ટેનરનું પીએસઆઈભાવના દ્વારા પાઈલોટિંગ કરવામાં આવી રહ્યું હતું તેમાંથી ૩૯૪ દારુની પેટી મળી આવી છે.

એસએમસીની કાર્યવાહીથી રાજકોટ સિટી ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગભરાઈ ગઈ હતી અને પછી પોતે દારુ પકડવા આવ્યા હોવાનું રટણ શરુ કર્યું હતું, જાેકે, આ ટીમ રાજકોટથી ૮૦ કિલોમીટર દૂર હતી અને તેમની પાસે કોઈ પંચ કે અન્ય માણસો નહોતા. આવામાં ક્રાઈમ બ્રાન્ચ પર શંકા જતા એસએમસીના અધિકારીઓએ આ ટીમ કોના આદેશથી ગઈ હતી તે પૂછવામાં આવ્યું પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નહોતો. આવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કે જે કન્ટેનરનું પાઈલોટિંગ કરી રહી હતી તેમાં દારુના કટિંગમાં, દારુના વેચાણ કે પછી બૂટલેગર સાથે સાંઠગાંઠ છે કે નહીં તે અંગેની તપાસ તેજ બનાવાઈ છે. તપાસમાં દારુ ભરેલા કન્ટેનરને રાજકોટમાં લાવવામાં આવી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ કેસમાં ઝડપાયેલા પીએસઆઈભાવના કડછા, ૩ હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ સામે અપહરણનો ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.