Western Times News

Gujarati News

રાજકોટમાં ધણીધોરી વગરના ૧૯૦૦૦ ભૂતિયા નળ કનેક્શન

Files Photo

૨૦ વર્ષ પહેલાં ખાલી વિસ્તારના નામે આપેલા નળ જાેડાણો થકી પાણી અપાય છે, પરંતુ પૈસા નથી આવતા

રાજકોટ,  રાજકોટ શહેરમાં અંદાજિત ૧૯૦૦૦ નળ કનેક્શન ભૂતિયા હોવાનું સામે આવ્યું છે. જેને કારણે રાજકોટ મનપાને ૧૨ કરોડ રૂપિયાની બૂચ લાગી ગયું છે. આ તમામ એવા નળ કનેક્શન છે કે જેના વેરા બિલમાં આજ સુધી લિંકઅપ નથી થયા. ૨૦ વર્ષ પહેલાં લીધેલા નળ જાેડાણ વખતે અલગ નામ હતું. જ્યારે વેરા વસુલાત વિભાગે તપાસ કરતા તે મિલકત વેચાઈ ગઈ હોય અને માલિક કોઈ બીજા જ હોઈ તેવું સામે આવ્યું છે.

મહાનગરપાલિકાની સ્થાપના થયા બાદ રાજકોટ શહેરમાં નળ કનેકશનો આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તે વખતે વસ્તી તેમજ વિસ્તારો ઓછા હોવાને કારણે નવા નળ કનેકશન આપતી વેળા વોટર ર્વકસ વિભાગ દ્વારા ફકત આસામીઓનું નામ અને ખાલી વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવતો હતો.

દા.ત. નળ કનેકશન લેતી વેળા ફલાણાભાઈ વિજય પ્લોટ આટલું લખી નવું નળ કનેકશન આ નામથી આપી દેવામાં આવતું હતું. જેનું મુખ્ય કારણ તે વિસ્તારમાં રહેતા તમામ લોકો એકબીજાને ઓળખતા હોય ગમે ત્યારે ફકત નામ પૂછવાથી ઘર મળી જતું હતું.

પરંતુ, રાજકોટનો વિકાસ થયા બાદ શહેરી તેમજ એપાર્ટમેન્ટના સહિતના નામનો ઉલ્લેખ થવા માડ્યો છે. આથી આસામીઓનું ઘર શોધવામાં સરળતા રહે છે. પહેલા નળ જાેડાણ આપ્યા બાદ નળનો વેરો અલગથી ઉઘરાવવામાં આવતો હતો.

પરંતુ, કાર્પેટ એરીયા પધ્ધતિ અમલમાં આવ્યા બાદ તમામ મિલકતોની માપણી કરી વેરા બિલમાં નળ જાેડાણનું લિંકઅપ કરી એક જ બિલ થકી તમામ પ્રકારનો વેરો ઉઘરાવવામાં આવી રહ્યો છે. કાર્પેટ એરીયા આધારીત વેરા પધ્ધતિ અમલમાં આવ્યા બાદ વેરા વિભાગે વોટર વર્કસ વિભાગ પાસેથી જૂના નળ કનેકશનોની યાદી માંગતાં મોટો ગોટાળો બહાર આવ્યો હતો. જેનો આજસુધી ઉકેલ આવ્યો નથી.

રાજકોટ શહેરમાં કોમર્શિયલ અને રહેણાંકની ૪.૫૮ લાખ મિલકતોમાં નળ કનેકશન આપવામાં આવ્યા છે. દર વર્ષે મિલકત વેરા બિલમાં નળ વેરો ભરપાઈ કરવામાં આવતો હોય છે. દરેક નળ કનેકશનનું વેરા બિલમાં લિંકઅપ હોવાથી રહેણાંકના રૂા.૮૪૦ તેમજ કોમર્શિયલના રૂા.૧૬૮૦ લેખે વેરા વિભાગ નળ વેરો ઉઘરાવી રહ્યું છે પરંતુ, આજથી ૨૦ વર્ષ પહેલા રાજકોટના જૂના વિસ્તારોમાં આપવામાં આવેલા ૨૫૦૦૦થી વધુ નળ કનેકશનો પૈકી ૧૯૦૦૦ નળ કનેકશનોનું વેરા બિલમાં આજસુધી લિંકઅપ ન થતાં મહાનગરપલિકાને અંદાજે રૂા.૧૨ કરોડનું બૂચ લાગી ગયું હોવાનું જાણવા મળેલ છે.

આજથી ૨૦ વર્ષ પહેલા લીધેલા નળ જાેડાણોના આસામીઓ પૈકી મોટાભાગનાએ પોતાની મિલકતો વેચી નાંખી છે. પરિણામે વેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાતા હાલના મિલકત ધારક અલગ અને નળ જાેડાણમાં નામ પણ અલગ હોવાનું બહાર આવ્યું છે.

પરિણામે દસ્તાવેજના આધારે મિલકત વેરો ભરી શકાય છે. પરંતુ નળ જાેડાણમાં નામ અલગ હોવાને કારણે વેરા બિલમાં લિંકઅપ થઈ શકતું નથી. પરિણામે આ પ્રકારે અંદાજે ૧૯ હજારથી વધુ નળ જાેડાણોમાં આજે લોકોને પાણી તો મળી રહ્યું છે. પરંતુ, મહાનગરપાલિકાને પૈસા મળતા નથી.

વેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૦ વર્ષથી મોટાભાગના લોકોએ પાણીવેરો ભર્યો નથી. જે વ્યાજ સહિત ૧૨ કરોડથી વધુ થવા જાય છે. હાલ બંન્ને વિભાગ પાસે સ્ટાફ ઓછો હોવાને કારણે સર્વેની કામગીરી થઈ શકતી નથી. પરિણામે જૂના નળ જાેડાણો લઈને મિલકતો વહેંચી આસામીઓ નળનો વેરો ભર્યા વગર જતા રહ્યા હોય આજની તારીખે ૧૨ કરોડ રૂપિયાનો નળ વેરો બાકી રહી ગયો છે જે દર વર્ષે વ્યાજ સાથે વધી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.