રાજકોટમાં ધો-12ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
રાજકોટ, રાજકોટ જાણે આપઘાતનું કેપિટલ બની ગયું હોય એમ દિન-પ્રતિદિન ભણતરના ભારથી ભયભીત થતા વિદ્યાર્થિનીઓ મોતને વહાલુ કરી રહી છે. હજુ 2 દિવસ પહેલાં કોલેજની પરીક્ષા આપી છાત્રાએ જિંદગી ટૂંકાવી હતી.
ત્યારે આજે ચોટીલાના ખેરાણા ગામે ધો.12ની છાત્રાએ નાપાસ થવાના ડરથી ઝેરી દવા પી આયુખું ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાના ટેન્શનને કારણે વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં બોર્ડની પરીક્ષા ચાલુ થયાના પ્રથમ દિવસે જ સવારે ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી લેતાં ચકચાર મચી ગઈ હતી.
નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પરીક્ષાના પ્રથમ દિવસે ઝેરી દવા પીધા બાદ વિદ્યાર્થિનીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ અંગે ચોટીલા પોલીસે કાગળો કરવા તજવીજ આદરી છે. બનાવની વિગતો અનુસાર, ચોટીલાના ખેરાણા ગામે રહેતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે તા.28/03ના સવારે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ત્યારે 10 દિવસની સારવાર બાદ તેનું ગઈકાલે મોડી રાત્રે મોત નીપજ્યું હતું. સગીરા એક ભાઈની એકની એક બહેન હતી. પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક સણોસરામાં આવેલી મોડલ શાળામાં ધો.12માં અભ્યાસ કરતી હતી.