રાજકોટમાં નવજાત બાળકી બાદ માતાનું મોત થતા હોબાળો
રાજકોટ: ફરી એક વખત રાજકોટની સિવિલ હૉસ્પિટલ વિવાદમાં આવી છે. અનિતાબેન સાવનભાઈ વાઘેલા નામના ૨૧ વર્ષીય મહિલાને ડિલિવરી બાદ ૭૦૦ ગ્રામ વજન ધરાવતી પુત્રી સાથે ખાનગી હૉસ્પિટલમાંથી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારે અધૂરા મહિને જન્મ થયો હોવાના કારણે પુત્રીનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યાર બાદ તેની માતાનું મૃત્યું નિપજતા પરિવારજનોમાં આક્રોશની લાગણી વ્યાપી હતી. પરિવારજનો દ્વારા સિવિલ હૉસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જવાબદાર સ્ટાફ સસ્પેન્ડ ન થાય
ત્યાં સુધી મહિલાની લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. મહિલાનું મૃત્યુ થતાં મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો સિવિલ હૉસ્પિટલ ખાતે ઉમટ્યા હતા. જેના કારણે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારે સિવિલ હૉસ્પિટલ પહોંચેલા વાલ્મીકિ સમાજ અને સિવિલ હૉસ્પિટલના સ્ટાફ વચ્ચે ભારે બોલાચાલી પણ થવા પામી હતી. જે બાદ પોલીસ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો.
તો બીજી તરફ સિવિલ હૉસ્પિટલના અધિકારીઓ દ્વારા પરિવારજનોને મૃતકનું ફોરેન્સિક પીએમ કરાવવાની પણ છૂટ આપવામાં આવી છે. મૃતક અનિતાબેન સાવનભાઈ વાઘેલાના નણંદ હીનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મારી ભાભીને સાત મહિનાનો ગર્ભ હતો જેના કારણે અમે તેને લઇ સૌપ્રથમ દોશી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ જણાવ્યું હતું કે, મહિલાનું તાત્કાલિક અસરથી સિઝેરિયન કરાવી બાળકીનો જન્મ કરાવવો પડશે. તેથી સીઝરીયન કરીને બાળકીનો જન્મ કરવામાં આવ્યો હતો.
અધૂરા મહિને જન્મેલી બાળકીનું વજન માત્ર ૭૦૦ ગ્રામ હતુ. જેથી તેને પેટીમાં રાખવાની સૂચના તબીબો દ્વારા આપવામાં આવી હતી. તબીબોએ જણાવ્યું હતું કે, જાે અમારી હૉસ્પિટલમાં બાળકીને રાખવામાં આવશે તો એક દિવસનો ખર્ચ ૧૫થી ૨૦ હજાર રૂપિયા સુધીનો થશે. તેથી અમે કહ્યું હતું કે, આટલો બધો ખર્ચ પોસાય તેમ નથી અમે બાળકીને સિવિલ હૉસ્પિટલ ખાતે આવેલા કેટી ચિલ્ડ્રન હૉસ્પિટલમાં લઈ જવા માંગીએ છીએ. ત્યારબાદ બાળકીને અમે કે.ટી. ચિલ્ડ્રન હૉસ્પિટલ ખાતે દાખલ કરી હતી. જ્યાં તેનું મંગળવારના રોજ મૃત્યુ થયું હતું ત્યાર બાદ ગણતરીની કલાકોમાં ઈમરજન્સી વોર્ડમાં રહેલી બાળકીની માતાએ એટલે કે મારી ભાભીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મારા ભાભીનું જે મોત થયું છે તેમાં તબીબી સ્ટાફની બેદરકારી છે.