Western Times News

Gujarati News

રાજકોટમાં પાક વિમા પ્રશ્ને કિસાન સંઘ-ખેડૂતોની રેલી

ખેડૂત આગેવાનો અને કિસાન સંઘના નેતાઓની આગામી દિવસોમાં રાજયવ્યાપી જલદ આંદોલન કરવાની ચિમકી

રાજકોટ, પાકવીમો, ભાવાંતર યોજના લાગુ કરવા અને સરકાર દ્વારા ડેમ-તળાવો રિપેર અને ઊંડા ન કરાતા ખેડૂતો, કિસાન સંઘ દ્વારા રાજકોટના બહુમાળી ચોકથી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના કમિશન એજન્ટ એસોસિએશને પણ ટેકો જાહેર કર્યો હતો. આજના રેલી અને ઉપવાસના કાર્યક્રમમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં જાડાયા હતા. રેલી બાદ૧૦થી વધુ ખેડૂતો રાજકોટના બેડી યાર્ડ બહાર આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસી ગયા હતા. જા કે, ઉપવાસ અને રેલી દરમ્યાન પોલીસ દ્વારા કેટલાક ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોની અટકાયત કરતાં ખેડૂતઆલમમાં ઉગ્ર આક્રોશની લાગણ ભભૂકી ઉઠી હતી.

ખેડૂતો અને કિસાનસંઘના આગેવાનોએ સરકાર અને પોલીસ તંત્ર પરત્વે આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં લોકોને તેમની સાચી વેદના કે સમસ્યાને લઇ આંદોલન કે ઉપવાસ-રેલી કરવાનો પણ અધિકાર નથી, તે બહુ આઘાતનજનક અને દુઃખદ બાબત છે. પરંતુ ખેડૂતો તેમના ઉપરોકત મુદ્દાઓને લઇ આગામી દિવસોમાં જરૂર પડયે રાજયવ્યાપી આંદોલન પણ કરશે. બહુમાળી ચોક ખાતે એકઠા થયેલા ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, મોદીએ હવે સરકારી અધિકારીઓ પર સર્જીકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે.

બીજીબાજુ, ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનો દ્વારા સ્થાનિક જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ વર્ષે અછત અને અર્ધ અછત હોવાથી ખેડૂતોને બહુ મુશ્કેલી પડી રહી છે. આવા ખરાબ સમયે જો ખેડૂતોને પાકવીમો ન મળેતો ખેડૂતોએ તેમના પરિવાર, ગાય, ભેસનો નિભાવ કેમ કરવો અને નવા વર્ષના બિયારણ, ખાતર તેમજ ખેતી ખર્ચના નાણાના અભાવે ખરીફ પાકનું વાવેતર કરી શકે તેમ નથી. પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોએ લીધેલી લોન પણ ભરી શકે તેમ નથી, ખેડૂતો લોન ભરવામાં ડિફોલ્ટર થયા છે.

જેથી તેઓને નવું પાક ધીરાણ મળી શકે તેમ નથી, ખાનગી ધિરાણધારકો પાસેથી ઉચા વ્યાજે નાણા લેવાની ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ ખેડૂતોમાં સર્જાઇ છે. આ કપરી અને કંગાળ પરિસ્થિતિને લીધે ખેડૂતો આત્મહત્યા કરવા પ્રેરાશે. પાકવીમો ચૂકવવા અંગે વારંવાર રજૂઆતો સરકારને કરવામાં આવી છે પરંતુ કોઇ પણ અગમ્ય કારણોસર સરકાર પાકવીમો ચૂકવવાની કોઇ પણ કાર્યવાહી હજુ સુધી કરી નથી. આમ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોને હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી પાકવીમો નહીં મળે ત્યાં સુધી ખેડૂતો બેડી યાર્ડ બહાર આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી પણ ખેડૂત આગેવાનોએ ઉચ્ચારી હતી.  (સંપૂર્ણ સમાચાર સેવા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.