રાજકોટમાં પોલીસની દાદાગીરી-પાથરણાવાળાની શાકભાજી ફેંકી
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મી શાકભાજી વેચતા લોકોનું શાકભાજી રસ્તા પર ફેંકી દે છે
રાજકોટ, છેલ્લા બે દિવસથી રાજકોટ શહેર બે બનાવોને લઈને ચર્ચામાં છે. આ બંને ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં પ્રથમ બનાવમાં પોલીસે અટકાવતા એક બાઇક ચાલકે માસ્ક ન પહેરીને પોલીસ સાથે દલીલો કરનાર પોતાની પત્નીને તમાચો મારી દીધો હતો. બીજી એક બનાવમાં એક પોલીસકર્મી પાથરણું પાથરીને રોડ પર શાકભાજી વેચતા લોકો સામે રોફ જમાવી રહ્યો છે. પોલીસકર્મી લાતો મારીને શાકભાજીને રોડ પર ઢોલી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટના જ્યુબિલિ શાકમાર્કેટ રોડ પર પોલીસકર્મીની દાદાગીરી સામે આવી છે. પોલીસકર્મીએ શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકો પર રોફ જમાવ્યો હતો. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મી ડંડો લઈને જઈ રહ્યો છે અને પાથરણા પાથરીને શાકભાજી વેચતા લોકોનું શાકભાજી રસ્તા પર જ ઢોળી દે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક પોલીસકર્મી હાથમાં દંડો લઈને રસ્તા પર જઈ રહ્યો છે. આ દરમિયાન રસ્તા પર જે જે લોકો શાકભાજી વેચી રહ્યા છે તેમના શાકભાજીને પગથી લાતો મારીને રસ્તા પર ઢોળી રહ્યો છે. આ ઉપરાંત એક જગ્યાએ તે શાકભાજી તોલવાના ત્રાજવાને પણ લાત મારે છે. આ અંગેનો વીડિયો કોઈએ પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો. હાલ આ વીડિયો વાયરલ થયો છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે શાકભાજી વેચતા મોટાભાગને લોકો શાકભાજીના પોટલા બાંધીને જઈ રહ્યા હોય છે. એવી પણ માહિતી મળી છે કે જ્યુબિલિ શાકમાર્કેટ પાસે જે જગ્યાએ આ બનાવ બન્યો હતો ત્યાં પાર્કિંગ આવેલું છે. આ જગ્યાએ શાકભાજી વેચવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. આમ છતાં અમુક ગરીબ પાથરણાવાળા પરિવારનું ગુજરાત ચલાવવા માટે અહીં બેસીને શાકભાજી વેચતા હોય છે.
સમયાંતરે અહીં પોલીસ તરફથી કાર્યવાહી કરીને આ લોકોને ખસેડવામાં આવતા હોય છે. જોકે, વાયરલ થયેલા વીડિયોમાં તો પોલીસકર્મી સૂચના આપવાને બદલે શાકભાજી જ રોડ પર ઢોળી દે છે. આ વીડિયો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે. આ પોલીસકર્મી કોણ છે તેની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.