રાજકોટમાં બે દિવસથી ગુમ યુવકની કરપીણ હત્યા કરાઈ

Files Photo
શરીર પર તીક્ષ્ણ હથિયારના ૩૦ જટેલા ઘા મળ્યા-ગોંડલમાં ખોડિયાર માતાજીના મંદિર પાછળ કૂવામાંથી બે દિવસથી ગુમ યુવક અજયસિંહનો મૃતદેહ મળી આવ્યો
રાજકોટ, ગોંડલમાં કૂવામાંથી જુવાનજાેધ યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. લાશ મળી આવી હોવાની જાણ થતા તાત્કાલીક અસરથી પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ લાશને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે.
ગોંડલ શહેર ફરી એક વખત ચર્ચાના ચગડોળે ચડ્યું છે. રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ રામ દ્વાર સામે ખોડીયાર માતાજીના મંદીર પાછળ કૂવામાંથી યુવકની લાશ મળી આવી છે. યુવકની ઓળખ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરતા યુવક ગોંડલની સૈનિક સોસાયટીમાં રહેતો અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હોવાનું ખુલ્યું છે.
બનાવની જાણ થતાં ગોંડલ મામલતદાર, ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ – જવાનો, લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ – જવાનો, એફ.એસ.એલ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે ગોંડલ સિટી પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે જેથી કરીને સાંયોગિક પુરાવા તેમજ ગુના અંગે સરળતાથી ભેદ ઉકેલી શકાય.યુવકની લાશને બહાર કાઢતા યુવકના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તબક્કે યુવકની હત્યા કરાવીને લાશ કુવામાં ફેંકી દીધા હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે ગોંડલ સિટી પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ગોંડલ સિટી પોલીસ દ્વારા મૃતક યુવાનનો સીડીઆર રિપોર્ટ પણ કઢાવવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસ તમામ દિશામાં તપાસ માટેના પ્રયત્નો કરી રહી છે.
યુવાનના મૃત્યુ પહેલા તે કોની કોની સાથે સંપર્કમાં હતો અને તેને સંપર્ક કર્યો હતો કઈ રીતે કુવા સુધી પહોંચ્યો તે તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ગોંડલ સિટી પોલીસ દ્વારા ઘટના સ્થળની નજીકમાં જે કોઈપણ જગ્યાએ સીસીટીવી પ્રાપ્ય છે તે તમામ જગ્યાએ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.
સમગ્ર મામલે મૃતક યુવાનના પરિવારજનો સાથે પણ ગોંડલ સિટી પોલીસ દ્વારા હાલ વાતચીત કરવામાં આવી રહી છે. પરિવારજનોનું યુવાન મામલે શું કહેવું છે? મૃત્યુ પહેલા ના દિવસો માં તેનું વર્તન સામાન્ય હતું કે કેમ? કોઈનાથી તે ભયભીત હતું કે કેમ તે સહિતની તમામ બાબતો અંગે પરિવારજનોને પૂછપરછ કરવામાં આવી રહી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલના સૈનિક સોસાયટીમાં રહેતા અજય સિંહ જાડેજા ૧૦ મિનિટમાં આવું છું કહી ઘરેથી નીકળ્યો હતો. પરંતુ બે દિવસથી પુત્ર ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ત્યારે અચાનક આજરોજ યુવાન મૃત હાલતમાં કૂવામાંથી મળી આવ્યો હતો. મૃત યુવાન ના ગળા થી લઇ આખા શરીરમાં ૩૦થી વધુ છરીના ઘા મારી હત્યા નિપજાવી લાશ સાથે પથ્થર બાંધી કૂવામાં નાખી દીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.