રાજકોટમાં બે સગા ભાઈઓએ એકસાથે આત્મહત્યા કરી
રાજકોટ, શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે બે સગા ભાઈઓએ દુકાનમાં જ ઝેરી દવા ગટગટાવી પોતાની જિંદગી ટૂંકાવી હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, આર્થિક સંકડામણને કારણે બંને ભાઈઓએ મોતને વહાલું કર્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ મોરબી હાઇવે ઉપર બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે બનાદાસ પેઢી ની ઓફિસમાં ૮ માર્ચ મંગળવાર ના રોજ બે સગા ભાઈઓએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી.
બનાવની જાણ થતા તાત્કાલીક અસરથી કુવાડવા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ત્યારબાદ પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંને ભાઇઓની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડી હતી.
આ તકે પીએમ રૂમ ખાતે હાજર મૃતકના કાકા અશોકભાઈ સૂચકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બનાવની જાણ થતા અમે યાર્ડ ખાતે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. મારા બંને ભત્રીજાઓ પાસેથી કોઈપણ જાતની સુસાઇડ નોટ કે કંઈપણ લખાણ મળી આવ્યું નથી. પરિવારજનોનું પણ કહેવું છે કે, બંને ભાઈઓને કોઈ પણ પ્રકારનું દુઃખ કે કોઈ પણ સાથે અણબનાવ નહોતો.
ત્યારે ખરા અર્થમાં આર્થિક સંકળામણના કારણે જ બંને ભાઈઓએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે કે. પછી આપઘાત પાછળનું કારણ કંઇક અલગ છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, મૃતક વિપુલ સૂચક બેડી યાર્ડ ખાતે બનાદાસ ટ્રેડિંગ નામની પેઢીમાં સંચાલન કરતો હતો. જ્યારે કે, યતીન સૂચક મેડિકલ સ્ટોર ધરાવતો હોવાનું સામે આવ્યું છે.
ત્યારે પોલીસ દ્વારા બન્ને ભાઈઓના કોલ રેકોર્ડ પણ કઢાવવામાં આવ્યા છે. તેમજ બંને ભાઈઓ સાથે કામ કરતા વ્યક્તિઓની પણ પૂછપરછ કરી તેમના નિવેદન નોંધવામાં આવ્યા છે.SSS