રાજકોટમાં બે હત્યાના બે બનાવો : ૧૯ વર્ષની કૉલેજીયન યુવતી અને યુવાને આપઘાત કર્યો
રાજકોટ: રાજકોટ શહેરમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. એક કિસ્સામાં પત્ની પાસેથી ૫૦૦ રૂપિયા લઇ હમણાં આવું છું કહી ઘરેથી નીકળેલા યુવાને ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. જ્યારે અન્ય કિસ્સામાં ૧૯ વર્ષીય કૉલેજીયન યુવતીએ આપઘાત કરી લીધો છે. રાજકોટ શહેરના સુભાષનગર પાસે આવેલી મીનાક્ષી સોસાયટીમાં રહેતી અને કુંડલીયા કૉલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય દીકરીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીના માતા-પિતા ઘઉં લેવા બહાર ગયા હતા. તે દરમિયાન ઘરે એકલી રહેલી યુવતી ઉપરના રૂમમાં જઈ પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માતાપિતા ઘરે પરત આવ્યા ત્યારે પોતાની વ્હાલસોયી દીકરીને લટકી જાેઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદમાં પરિવારજનો દ્વારા ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી. જાેકે, ત્યાં સુધી દીકરીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.મૃતક યુવતી એક ભાઇ અને એક બહેનમાં મોટી હતી. પિતા રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. યુવતીએ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે જાણવા મળ્યું નથી. પોલીસે આ કેસમાં ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં રાજકોટ શહેરના સંત કબીર રોડ ઉપર ભગીરથ સોસાયટીમાં રહેતા યુવાને પત્ની પાસેથી ૫૦૦ રૂપિયા લઇ હમણાં આવું છું કહી નીકળ્યા બાદ બિલેશ્વર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો છે. બનાવની જાણ થતાં સ્ટેશન માસ્તરે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેના પગલે કુવાડવા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક યુવાનના ખિસ્સામાંથી મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળી આવ્યા હતા.
મૃતકના મોબાઇલ નંબરના આધારે સંપર્ક કરતા મૃતક યુવાનનું નામ ઈકબાલભાઈ સંધાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઈકબાલના પરિવારજનોને જાણ કરતાં ઇકબાલની પત્ની સહીતના પરિવારજનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ મૃતક ઈકબાલ ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સાત વર્ષ પહેલા તેના પ્રેમ લગ્ન થયા હતા. ઈકબાલે કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું છે તે અંગે હાલ પોલીસ તપાસ શરૂ છે.