રાજકોટમાં બોગસ પેઢીથી ૧૧પ કરોડની કરચોરી કૌભાંડમાં એક શખ્સની ધરપકડ
શહેરમાં ૧૩ સ્થળે ડીજીજીઆઈએ દરોડાની કાર્યવાહી કરીને દસ્તાવેજાે જપ્ત કર્યા
રાજકોટ, રાજકોટમાં કોરોનાના લોકડાઉન સમયમાં બોગસ પેઢી ઉભી કરીને ૧૧પ કરોડની ઈનપુટ ટેકસ ક્રેડિટ ચોરીના ઝડપાયેલા કૌભાંડમાં એક શખસની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ડીજીજીઆઈએ શહેરના ૧૩ સ્થળે દરોડાની કાર્યવાહી કરીને આ કૌભાંડ સંદર્ભે દસ્તાવેજાે જપ્ત કર્યાં છે.
કોરોના હળવો પડતા જીએસટીની જુદી જુદી વીંગ સક્રિય બની છે. સેન્ટ્રલ જીએસટી હેઠળ આવતા ડીજીજીઆઈ વીંગ દ્વારા રાજકોટની સ્ક્રેપ અને પ્લાસ્ટીંગનું વેચાણ કરતી એક પેઢી જે.પી. એન્ટરપ્રાઈઝના વ્યવહારો ચકાસવામાં આવ્યા હતા. શહેરમાં ૧૩ સ્થળોએ દરોડા પાડી કેટલાક દસ્તાવેજાે જપ્ત કરવામાં આવ્યા હતા.
આ તપાસમાં આશરે રૂ.૧૧પ કરોડની કરચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ છે. જે વસ્તુ વેચાઈ કે ખરીદાઈ નથી તેના બોગસ બીલોના આધારે કરચોરી કરવામાં આવેતી હતી. રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી આ પેઢીના મુખ્ય સુત્રધારની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સેન્ટ્રલ જીએસટીના સુત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સ્ટેટ જીએસટી વિભાગે તાજેતરમાં રાજયમાં ૭૧ સ્થળે દરોડા પાડી આશરે રૂ.૧૦૦૦ કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું. આ કૌભાંડની તપાસના દાયરામાં અનેક પેઢીઓમાં સેન્ટ્રલ જીએસટી દ્વારા પણ હવે તપાસ કરવામાં આવી રહી છે.