રાજકોટમાં મહિલાએ ગળા ફાંસો ખાઈ આપઘાત કરતા સનસનાટી
રાજકોટ, ટંકારાના નેકનામ ગામમાં સાસરું ધરાવતી અને છેલ્લા ત્રણેક દિવસથી કુવાડવામાં આવેલા રફાળા ગામે માવતરે આવેલી કોળી નવોઢાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આપઘાત અંગે કુવાડવા પોલીસ મથકના પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પિતાએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે, પતિ સહિત સાસરીયાઓએ નજીવી બાબતે માથાકૂટ કરી હતી. રાજકોટના કુવાડવા નજીક રફાળામાં માવતરે આવેલી પાયલ અલ્પેશભાઈ સીતાપરા (ઉં.વ.૨૪)એ ગઈકાલે રાત્રે ગળાફાંસો ખાઇ લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પરંતુ અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પાયલના ટંકારાના નેકનામમાં રહેતા અલ્પેશ મુકેશ સીતાપરા સાથે ત્રણેક મહિના પહેલા લગ્ન થયા હતા. પતિ અલ્પેશ કારખાનામાં નોકરી કરે છે.
પાયલના પિતાનું નામ દેવરાજભાઈ જીંઝૂવાડિયા છે. તેઓએ જણાવ્યું હતું કે, ગત રવિવારે પાયલ તેના સાસરે હતી અને રાત્રે ઊંઘ આવી જતા રુમનો દરવાજાે બંધ કરી સુઈ ગઈ હતી અને પતિ રાત્રે કામ પરથી મોડો આવ્યો ત્યારે તેણે દરવાજાે ખખડાવ્યો અને દરવાજાે મોડેથી ખોલતા પતિએ માથાકૂટ કરી હતી.
આથી સાસુ સહિતનાઓ જાગી જતા તેઓ પણ પાયલ સાથે માથાકૂટ કરી હતી. ત્યારબાદ પાયલે મને કોલ કરી હકિકત જણાવતા હું તેમને નેકનામ સાસરે તેડવા ગયો હતો અને તેને લઈ રાજકોટ આવવા રવાના થયો હતો.
ઘરે આવ્યા બાદ પાયલે જણાવ્યું હતું કે પતિએ ઝઘડો કર્યા બાદ સાસુ સહિતના સાસરિયાઓ કામ બાબતે મેણાટોણા મારે છે અને ત્રાસ આપે છે. ત્યારબાદ ત્રણ દિવસથી માવતરે રહેતી હતી.
આ બનાવ અંગે લાગી આવતા પાયલે ગળાફાંસો ખાઇ પગલું ભરી લીધું હોવાનો પિતાએ આક્ષેપ કરતા કુવાડવા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ અજયભાઈ નિમાવત સહિતના સ્ટાફે કાગળો કરી અને મૃતકના પિતાનું નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.HS