Western Times News

Gujarati News

રાજકોટમાં મુસાફરોના ખિસ્સા કાપતી રીક્ષા ગેંગ ઝડપાઇ

પ્રતિકાત્મક

છેલ્લા કેટલાય સમયથી માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ગેંગ સક્રિય થઇ હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસને મળી હતી

રાજકોટ, રાજકોટ શહેરમાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી રીક્ષા ગેંગના ૫ જેટલા સભ્યો ઝડપાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ અને રિક્ષા સહિત ૫૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ દ્વારા આ પ્રકારની ગેંગનો ભોગ બનનાર મુસાફરોને માલવિયાનગર પોલીસનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે.

આ અંગે વાતચીતમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.કે ઝાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ગેંગ સક્રિય થઇ હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસને મળી હતી. આ સમયે રિક્ષામાં બેસાડીને મુસાફરોના ખિસ્સા હળવા કરતી ગેંગ પોતાના નવા શિકારની શોધમાં હતી તે દરમિયાન માલવિયાનગર પોલીસ દ્વારા મવડી ઓવરબ્રિજ નીચેથી રિક્ષા ગેંગ ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસ તપાસમાં પકડાયેલા તમામ શખ્સો અગાઉ મુસાફરોના પાકીટ ચોરીના ગુનામાં પણ ઝડપાઇ ચૂકયા છે.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું છે કે, તેઓ દરરોજ સવારે ચોક્કસ સ્થળે એકઠા થતા હતા ત્યારબાદ ધર્મેશ રતિલાલ પાલા રીક્ષા ચલાવતો હતો જ્યારે કે મયુર ભુપતભાઈ ઓળખ્યા અને ચંદા દિનેશભાઇ પરમાર મુસાફર તરીકે રિક્ષામાં બેસતા હતા. રસ્તામાં ઉભેલા મુસાફરને રિક્ષામાં વચ્ચેના ભાગે બેસાડી તક મળતાં જ આરોપીઓ તેનું પાકીટ તેમજ રોકડ સેરવી લેતા હતા.

જ્યારે કે વિરેન્દ્ર રાજભર અને કેતન હર્ષદભાઈ મંકોડીયા શહેરમાં કોઇ સ્થળે મુસાફર રિક્ષાની રાહમાં ઉભો હોય ત્યાં ઊભા રહી જતા. તે જગ્યાએ ધર્મેશ વાલાને ફોન કરીને તેઓ બોલાવતા હતા. મુસાફર રીક્ષામાં બેસે તેની સાથે જ બંને આરોપીઓ પણ રિક્ષામાં બેસી રસ્તામાં ઓપરેશન પાર પાડતા હતા.

પોલીસ દ્વારા આ પ્રકારની ગેંગનો ભોગ બનનાર મુસાફરોને માલવિયાનગર પોલીસનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ રાજકોટ શહેરમાં આજ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુનાહિત કૃત્ય આચરનારી અનેક ગેંગને રાજકોટ શહેરના સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ તેમજ એસ.ઓ.જી દ્વારા ઝડપી પાડવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.