Western Times News

Gujarati News

રાજકોટમાં વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયાનો ગંભીર આક્ષેપ

રાજકોટ, મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યા બાદ હવે ઘટનાના ત્રીજા દિવસે રાજકોટમાં પણ ઉમેદવારો દ્વારા વનરક્ષકનું પેપર લીક થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એક મહિલા ઉમેદવારે આક્ષેપ કરતા કહ્યું કે, પરીક્ષાનું પ્રશ્નપત્ર તૂટેલું નીકળ્યું અને પેકેટમાં ૩ ઈંચનો કાપો હતો અને ઉપર ટેપ મારી દેવામાં આવી હતી. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે, ઘટનાના ૩ દિવસે આ પ્રકારની વાત કરનારા લોકોને પૂછવા માંગુ છું કે, પહેલા દિવસે શું છછુંદર ગળી ગયા હતા?

જીતુ વાઘાણી મીડિયાને જણાવ્યું કે, કલેક્ટર, ડીએસ અને ત્યાં વહીવટી અધિકારીઓની હાજરીમાં પેપર સીલ ખુલે છે. રાજકોટમાં પણ એ રીતે જ ખૂલ્યું છે. ઘટનાના ૩ દિવસ પછી આ પ્રકારની વાત કરનારા લોકોને પૂછવા માંગુ છું કે, પહેલા દિવસે તમને શું સાંપ ગળી ગયા હતા કે તમે શું ઝેર પી ગયા હતા. એ લોકોને હું કહેવા માંગુ છું કે, સંવેદનાથી કામ કરીએ છીએ. તમે તો હાથ પકડીને નોકરી આપી દેતા હતા.

આ મામલે જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, પેપર લીક મામલે ભૂતકાળમાં પગલાં લીધા છે અને ભવિષ્યમાં પણ લઈશું. પરંતુ કોઈ ઘટના જ ના બને તો શું કરી શકાય. ઉમેદવારોને કહેવા માંગુ છું કે, આ ગેરરીતિ થઈ છે, આરોપી ઉમેદવારોની ધરપકડ થઈ છે અને તપાસ ચાલી રહી છે. કોઈપણ જાતનું પેપર ફૂટ્યું નથી. ઉલ્ટાનો જે લોકો પેપર ફૂટ્યાની વાત કરી છે અને તેમની પાસે પુરાવા ના હોય તો વનરક્ષક વિભાગ ફરિયાદ કરશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે યોજાયેલી વનરક્ષક ભરતીની પરીક્ષા દરમિયાન ઊંઝા તાલુકાના ઉનાવાની મીરાદાતાર સર્વોદય વિદ્યાલયમાં ટ્રસ્ટના જૂના લેટરહેડની પાછળ આન્સર કી લખેલો કાગળ ઝડપાતા પેપર ફૂટ્યું હોવાની શંકાથી હોબાળો મચી ગયો છે. આ મામલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી બાદ ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ પેપર લીક નથી પરંતુ કોપી કેસ છે. આ કેસમાં ૮ આરોપીઓની ધરપકડ બાદ વારાફરતી પૂછપરછ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.