Western Times News

Gujarati News

રાજકોટમાં સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયનું રવિવારે થશે લોકાર્પણ

સમસ્ત પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતમાં રાજકોટમાં સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયનું રવિવારે થશે લોકાર્પણ

રાજકોટ:સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ તરફ આગળ વધવા સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ “સરદારધામ” કાર્યરત છે. પાટીદાર સમાજના યુવાઓને એક તાંતણે જોડી વિવિધ ક્ષેત્રોમાં સમાજના નાનામાં નાના જ્ઞાતિજનથી લઈને સમાજના શ્રેષ્ઠીઓના તાલમેલથી સમાજના દરેક લોકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે. સરદારધામની સેવાઓ સમગ્ર ગુજરાતભરની સાથે આગામી  18 ઓગસ્ટ,2019થી રાજકોટમાં પણ પાટીદાર સમાજના ગઢ ગણાતા સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયના માધ્યમથી પહોંચાડવા માટે સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલયનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.

મિશન 2026 અંતર્ગત સરદારધામ દ્વારા 2020 દરમ્યાન હોસ્ટેલ પ્રોજેક્ટ, GPSC અને UPSC સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ(GPBS), ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન(GPBO), યુવાતેજ-તેજસ્વીની સંગઠન માટે હાલ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.

યુવા શક્તિ ના સર્વાંગી વિકાસ માટે સમાજ નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ તરફ પગલુ માંડવા માટે સરદારધામ દ્વારા GPBS / GPBO / યુવાતેજ-તેજસ્વીનીના આયામો ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વસતા સમસ્ત પાટીદાર સમાજના દરેક જ્ઞાતિજનો સુધી સરદારધામના વિચારો અને અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો થકી જ્ઞાતિની આવનારી પેઢીના ઉત્થાન સાથે ઉત્કૃષ્ટ રાષ્ટ્ર નિર્માણની હરણફાળ ભરી રહ્યું છે.

સરદારધામ દ્વારા નવી પેઢીના સ્વપ્નો સાકાર કરવા જુદા-જુદા રચનાત્મક કામો કરવામાં આવી રહ્યા છે.જેમાં મુખ્યત્વે ગ્રામ્ય કક્ષાએ થી વિશ્વ કક્ષાએ જોડાણ વધારવા માટેનું આયોજન કરવાનું આયોજન કરાઈ રહ્યું છે. સમાજમાં જરૂરિયાતમંદ પાટીદાર સમાજના લોકોને સન્માનભેર સામાજિક અને આર્થિક સભર બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ત્રી સશક્તિકરણ, શેક્ષણિક, સ્વરોજગારી અને ઉદ્યોગ સાહસિકતા માટે ખાસ ભાગીદારી વધારવા માટે પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

સરદારધામ દ્વારા પાટીદાર સમાજના યુવાધનમાં વધતી જતી વ્યસનની લતમાંથી તમાકુ, ગુટકા, દારૂ અને નશાકારક પદાર્થોના સેવનથી યુવાનોને આર્થિક અને શારીરિક પાયમલ અટકાવી વ્યસનમુક્તિ થકી નિર્વ્યસની બનાવવાનું પણ આયોજન હાથ ધરાશે.

યુવાનોને સાચી દિશા બતાવવા માટે સરકારમાં સેવાઓ આપતા તેમજ સેવાનિવૃત્ત અધિકારીઓ અને કોર્પોરેટ જગતના એક્ઝિક્યુટિવ લેવલના અગ્રણીઓ દ્વારા પાટીદાર સમાજના નવયુવાનોને સમયાંતરે માર્ગદર્શન આપવા માટે વિશિષ્ટ આયોજન પણ હાથ ધરાનાર છે.

યુવાનોને સમાજના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ ના સહયોગથી દરેક ક્ષેત્રમાં મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન પણ આપવામાં આવનાર છે. જેમાં વિવિધ સમસ્યાઓને લઈને તે વિષયના તજજ્ઞ, મહેસુલ વિભાગ માટે પણ પ્રશ્ન હોય  તો  તે વિભાગના તજજ્ઞ, કાનૂની માર્ગદર્શન અને ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધવા માંગતી યુવાપેઢીને ખાસ માર્ગદર્શન ફોરમની રચના કરી માહિતગાર કરી દિશા સુચવવાનું આયોજન કરવામાં આવનાર છે.

પાટીદાર સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વગર વ્યાજની લોન અને સહાય આપવા માટે ખાસ નાણાકીય ભંડોળ પણ સમાજના પ્રતિષ્ઠિત અને સક્ષમ જ્ઞાતિજનોના સહયોગથી સહાય આપવા માટેનું પણ આયોજન કરાઈ રહ્યું છે.

યુવાધનને અભ્યાસ દરમિયાન કયા ક્ષેત્રે આગળ વધવું તેના માટે પડતી મુશ્કેલીઓ અને મૂંઝવણને લઈને પણ સરદારધામ દ્વારા માર્ગદર્શન અને સહાય કેન્દ્ર થકી કારકિર્દી ઘડતર માટે પણ યુવાનોને યોગ્ય દિશા મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આજના યુગમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે યુવાનો માટે ખાસ સરકારી, જાહેર ક્ષેત્રો અને ખાનગી ક્ષેત્રોમાં રોજગારી આપવા માટે સરદાર ધામ દ્વારા વિવિધ ઔદ્યોગિક ગૃહો અને સંસ્થાઓ સાથે સમાજના બેરોજગારોને જોડવા માટે મહત્વની કડીરૂપ ભૂમિકા પણ અદા કરવાનું આયોજન કરતું રહે છે.

સરદારધામ ના પ્રથમ તબક્કામાં 2000 જેટલા દીકરા દીકરીઓ માટે સગવડતા યુક્ત સમયને અનુરૂપ છાત્રાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસ કરવામાં આવનાર છે. હા છાત્રાલયમાં આવતા પાટીદાર સમાજના યુવાધનને મોંઘવારીમાં પરવડે તે પ્રકારે શિક્ષણ લેવા આવનાર વિદ્યાર્થીને અગવડતા ન પડે તે માટે પ્રાથમિકતાથી છાત્રાલય માટેનું આયોજન હાથ ધરવામાં આવશે.

સમગ્ર દેશ અને દુનિયામાં થી ગુજરાત રાજ્યમાં આવતા પાટીદાર સમાજના અતિથિઓ માટે સુવિધાયુક્ત અદ્યતન અતિથિ ભવન નિર્માણ કરવા માટે પણ સરદારધામ દ્વારા આયોજન પણ ભવિષ્યમાં હાથ ધરાનાર છે.

જુદા જુદા લક્ષ્યબિંદુઓ સાથે સરદારધામ એક અનોખી અને આગવી વિચારધારાથી સમસ્ત પાટીદાર સમાજ માટે ગુજરાતમાં કામ કરી રહ્યું છે.

ત્યારે સૌરાષ્ટ્રના હાર્દ સમા રાજકોટ શહેરમાં આગામી તારીખ 18 ઓગસ્ટ 2019 ના રવિવારે સવારે ૧૧ કલાકે નાના મવા સર્કલ પાસે, મારવાડી એક્સચેન્જ સામે,ટ્રીનીટી હોસ્પિટલની બાજુમાં  સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવનાર છે.

આ પ્રસંગે સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા, ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, ઉમિયાધામ સિદસરના પ્રમુખ ડાહ્યાભાઈ ઉકાણી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.

તો સમસ્ત પાટીદાર સમાજના જ્ઞાતિજનોને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવા સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનની વિવિધ સમિતિઓ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનું આયોજન ટીમ GPBO રાજકોટના યુવા ઉદ્યોગસહાસિકોના અથાગ પ્રયત્નો દ્વારા સંપન્ન થઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.