રાજકોટમાં સિવિલના બેડ સુધી પહોંચવા ઘરેથી બેડ લાવવો પડે છે !
રાજકોટ: રાજકોટમાં કોરોના દર્દીઓની દયનીય સ્થિતિનો ચિતાર આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે. રાજકોટની ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં હૉસ્પિટલમાં દાખલ થવાની રાહ જાેઈ રહેલા દર્દીઓના પરિવારજનો આવી રીતે સારવાર કરવા માટે મજબૂર બન્યા છે. અહીં એક દર્દીને ગઈકાલ રાતથી સિવિલ હૉસ્પિટલમાં બેડ નથી મળ્યો. આથી પરિવારજનો ઘરેથી ખાટલો લાવીને આવી રીતે ગ્રાઉન્ડમાં દર્દીને સારવાર આપી રહ્યો છે.
આજે સવારથી જ સિવિલ નજીક આવેલા ચૌધરી ગ્રાઉન્ડમાં ૧૦૦ કરતા વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઇન જાેવા મળી હતી. કોરોનાના વધતા જતાં કહેરને લઈને રાજકોટના ખાનગી હૉસ્પિટલનાં તમામ બેડ અત્યારે ફૂલ થઈ ગયા છે. સિવિલ હૉસ્પિટલમાં પણ દર્દીઓને સારવાર માટે હવે ખૂબ રાહ જાેવી પડી રહી છે. આ બધા પેશન્ટો એવા પણ છે કે જે રાતથી લાઈનમાં ઊભા છે.
કોરોના દર્દીઓ ૧૦૮ મારફતે સિવિલ હૉસ્પિટલમાં આવી રહ્યા છે, પરંતુ હાલ ૧૦૮માં પણ એટલું બધું વેઇટિંગ છે કે બાકીના દર્દીઓને પોતાના પ્રાઇવેટ વાહનોમાં આવવું પડે છે. જે દર્દીઓને ૧૦૮ની સેવા નથી મળી રહી તેઓ ખાનગી વાહનોમાં સિવિલ હૉસ્પિટલ આવી રહ્યા છે. અનેક દર્દીઓ રિક્ષામાં ઑક્સીજનના બાટલા સાથે સિવિલ હૉસ્પિટલ પહોંચી રહ્યા છે.
રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં આવેલી હૉસ્પિટલમાં પહોંચવા માટે ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાંથી એમ્બ્યુલન્સ માટે ખાસ રસ્તો બનાવ્યો છે. હાલ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પણ લાંબી કતારો જાેવા મળી રહી છે. તમામ ખાનગી વાહનો તેમજ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે દર્દીઓને અહીં લાવવા પડે છે. ઘણા બધા દર્દીઓને ઑક્સીજનની જરૂર હોવાથી તેમને હૉસ્પિટલના ગ્રાઉન્ડમાં જ એમ્બ્યુલન્સની અંદર સારવાર આપવામાં આવી રહી છે.
હાલ રાજકોટની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે. ખાનગી હૉસ્પિટલો હાઉસફૂલ બની છે. સરકારી ચોપડે જિલ્લામાં કુલ ૩,૪૧૪ બેડમાંથી માત્ર ૧૧૨ બેડ ઉપલબ્ધ છે. રાજકોટ સિવિલમાં ૮૦૮ બેડમાંથી ૩૮ બેડ ખાલી છે. જ્યારે સમરસ હોસ્ટેલમાં ૭૦૮ બેડમાંથી માત્ર ૧૭ ખાલી છે. ગોંડલની વાત કરીએ તો સરકારી હોસ્પિટલ ૫૬ બેડમાંથી બે બેડ ખાલી છે. કેન્સર હોસ્પિટલ ૧૯૭માંથી ૩૭ ખાલી છે. જસદણમાં ૨૪ બેડમાંથી એક પણ બેડ ખાલી નથી, જ્યારે ધોરાજીમાં ૭૦માંથી પાંચ બેડ ખાલી છે. જિલ્લાની ૩૫ ખાનગી હૉસ્પિટલની કુલ ૧,૫૧૦ બેડમાંથી માત્ર ત્રણ બેટ ખાલી છે