રાજકોટમાં હીટ એન્ડ રન: ઔડી કાર નીચે દોઢ વર્ષનું બાળક કચડાયું
રાજકોટ, હાથમાં સ્ટીયરિંગ આવે એટલે અનેક લોકો ભાન ભૂલીને બેફામ રીતે ગાડી હંકારે છે. ત્યારે રાજકોટમાં હૃદય હચમચાવી દે તેવા એક્સિડન્ટના સીસીટીવી સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં વૈભવી કાર નીચે કચડાતા દોઢ વર્ષીય બાળકનું કરૂણ મોત નિપજ્યું છે.
શહેરના ભક્તિનગર સર્કલ નજીક બાળક રમતા રમતા ઓડી કાર પાસે ઉભો હતો. જે દરમ્યાન કારચાલકે અચાનક જ કાર શરૂ કરી ચલાવતા બાળક કાર હેઠળ કચડાયો હતો. જેના કારણે બાળકનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. બાળકને કચડી ઓડી કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ ગઇ છે. જેના દ્રશ્યો હચમચાવી દે તેવા છે.
માસૂમ બાળકને કચડીને કાર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોતાના વ્હાલસોયા પુત્ર વંશનો અકસ્માત થયો છે તેની જાણ થતાં પિતા અને માતા તુંરત દોડી ગયા હતા. ઘટનાને જોઈને આસપાસના લોકો પણ એકત્ર થઈને કારની પાછળ દોડ્યા હતા. પરંતુ કાર ચાલક ઉભો રહ્યો ન હતો, અને ત્યાં રમરમાટ કાર દોડીને ભાગી ગયો હતો.
ગંભીર રીતે ઘાયલ પુત્રને સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો, પરંતુ સારવાર દરમ્યાન વંશ (બાળક)નું મોત નિપજ્યું હતું. પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું, અને ભારે કલ્પાંત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા કાર ચાલક સામે ગુન્હો નોંધ્યો અને ઝડપવા માટે તપાસ હાથ ધરી હતી.