રાજકોટમાં ૫૦૦ જેટલા બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે
રાજકોટ: કોરોનાની આ લહેર બાળકો માટે સૌથી વધુ ખતરનાક છે. બાળકોમાં એટલા ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે કે હોસ્પિટલમાં બાળ દર્દીઓ વધી રહ્યાં છે. આવામાં રાજકોટના બાળકોમાં કોરોના સંક્રમણ સૌથી વધુ જાેવા મળ્યું છે. રાજકોટમાં ૫૦૦ જેટલા બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા ૧૫ દિવસથી દરરોજ ૨૫ થી ૩૦ બાળકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે.
રાજકોટમાં બાળકોમાં કોરોનાનો ચેપ સૌથી વધુ લાગી રહ્યો છે. જેમાં ૬૦ ટકા બાળકો ૫ વર્ષ કરતા નાની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ૧૫ દિવસથી દરરોજ ૨૫ થી ૩૦ બાળકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. છેલ્લાં ૨૪ કલાકમાં સિવિલ હોસ્પિટલમાં ૧૬ અને ખાનગી હોસ્પિટલમાં વધુ ૪ બાળકો સારવાર માટે દાખલ થયા છે. ચોંકાવનારી માહિતી તો એ છે કે, ૨ થી ૭ દિવસના નવજાતને કોરોનાનો ચેપ વધી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરોનાના બાળ દર્દીઓ વધી રહ્યાં છે.
તબીબના જણાવ્યા અનુસાર, નાના બાળકોમાં શ્વસનની સમસ્યા, ઝાડા ઉલટી, ચીડિયાપણું, દૂધ લેવાનું બંધ કરે, માથાનો દુખાવો, ગાળામાં દુખાવો જેવા લક્ષણો જાેવા મળે છે. કોરોના બાળકોમાં જાેવા મળે ત્યારે તે ગંભીર અસર પેદા કરે છે. કેટલાકની ઇમ્યુનિટી સારી હોય તો માત્ર શરદી ખાંસી થાય છે અને શરીરના દુખાવા બાદ મટી પણ જાય છે. પણ કોઈ બાળકને અન્ય કોઈ સમસ્યા હોય તેવા કેસમાં લોહી નીકળતું, ખેંચ આવવી, હૃદયની સમસ્યા થવાની શક્યતા રહે છે.
બાળકમાં લક્ષણ ના જાેવા મળે અને કોરોના પોઝિટિવ હોય એ પણ સુપર સ્પ્રેડર બની શકે છે. બાળકોને ઉંમર મુજબ સમજ આપવી જાેઈએ, નાના બાળકોમાં સમજ ના આવી શકે પણ એ માતા પિતાને જાેઈને શીખે છે. કેટલાક બાળકો ટીવીમાં, અખબારમાં જાેઈને શીખતાં હોય છે, પણ બાળકને સમજ આપવી જ એકમાત્ર ઉપાય છે. આવામાં ઓનલાઈન શિક્ષણ હાલ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ ગેધરિંગના નામે થતી પાર્ટીથી બચવું જાેઈએ.
સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર જાેવા મળી રહ્યો છે. ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં ૭૭૦ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સામે ૨૪ કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૩૫ દર્દીઓના મોત નોંધાયા છે. રાજકોટ બાદ જામનગર, ભાવનગર અને મોરબીમાં સૌથી વધુ સંક્રમણ જાેવા મળ્યું છે.
એકલા રાજકોટ શહેર અને જિલ્લામાં ૩૮૫ પોઝિટિવ કેસ છે. જામનગર શહેરમાં અને ગ્રામ્યમાં ૧૫૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેર અને ગ્રામ્યમાં ૯૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં ૩૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ, રાજકોટમા વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે.