રાજકોટમાં ૮ વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું
દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને મધરાત્રે સુમસામ રસ્તા ઉપર છોડી દીધી ઃ સીપીએ રાત્રે બે વાગ્યે રિપોર્ટ માંગ્યો
અમદાવાદ, રાજકોટ એરપોર્ટ રોડ પરના એપાર્ટમેન્ટમાં રહેતી ચોકીદારની આઠ વર્ષની પુત્રી પોતાની દાદી સાથે ગરબીમાંથી લ્હાણી લઇ ઘર તરફ આવી રહી હતી તે દરમ્યાન આ બાળકીનું અપહરણ કરી તેણીને જંગલ જેવા વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મનો ભોગ બનાવાઇ હતી. એટલું જ નહી, દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ આરોપીએ બાળકીને મધરાત્રિએ સૂમસામ રસ્તા પર એકલી મૂકી દીધી હતી અને નાસી છૂટયો હતો.
આ બનાવને પગલે સમગ્ર રાજકોટમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનરે રાત્રે ને રાત્રે બે વાગ્યે બાળકીના મેડિકલનો રિપોર્ટ માંગ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, આઠ વર્ષની આ માસૂમ બાળકી તેની દાદી સાથે ગરબીમાંથી લ્હાણી લઇ ઘરે પતર ફરી રહી હતી ત્યારે બંને ઘરથી થોડે દૂર હતા ત્યારે બાઈકસવાર બાબુ બાંભવાએ થાકી ગયા હોય તો બેસી જાવ કહી બાળકીને બેસાડી દાદી બેસે તે પહેલા બાઈક હંકારી મૂક્યું હતું.
રૈયા રોડ પર સ્મશાનની પાછળ બાળાને જંગલ જેવા વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પરત ફરતી વેળાએ વાહન મોટા ખાડામાં પડ્યું આથી બાળાને ચાલ્યા જવાનું કહી પોતે ચાલીને ભાગી છૂટ્યો હતો. અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે ૧૫ ટીમોની રચના કરી હતી અને અલગ-અલગ વિસ્તારમાં દોડાવી હતી. પોલીસની દોડધામ વચ્ચે બાળકી હેમખેમ ઘરે આવી પહોંચતા પોલીસ અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
પોલીસે બાબુને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. બાબુ બાઇક ચોરી સહિત સાત જેટલા ગુનામાં સંડોવાયેલો હોવાની માહિતી પણ સામે આવી હતી. પોલીસ તપાસમાં બાળકીએ ખુલાસો કર્યા હતો કે, આરોપીએ તેને કહ્યું હતું કે, તું રોડ પર પહોંચી રીક્ષા કરીને ઘરે જતી રહેજે અને એવું કહ્યું હતું કે, હું તને દરરોજ આઈસ્ક્રીમ લઈ દઈશ. આપણે બન્ને રોજ અહીંયા આવીશું.
આરોપી તેને એરપોર્ટ રોડ પરથી ઉઠાવી ગયો અને રૈયા રોડ પર સ્મશાનની પાછળના જંગલ જેવા અવાવરું વિસ્તારમાં લઈ ગયો ત્યાં સુધીમાં રસ્તામાં પોતાને બેફામ ગાળો આપી હતી. આઈસ્ક્રીમ લઈ દેવાની પણ લાલચ આપતો હતો અને પોતાની પાસે રહેલો ધારદાર છરો કાઢીને બીવડાવતો પણ હતો. સાંકળા રસ્તા પરથી પોતાને જંગલ જેવા વિસ્તારમાં એક ટેકરી પર લઈ ગયા બાદ બાઈક સાઈડમાં રાખીને પોતાની સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.
આખા રસ્તા પર અજાણ્યા શખ્સે અડપલાં પણ કર્યા હતા. બાળકીની પૃચ્છા બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફરી ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી આરોપીનું જીજે૩ કેઈ ૪૪૬૧ નંબરનું અને નંબર પ્લેટ પર ખુદ ગબ્બર તેમજ નાદાન બાબલો લખેલું બાઈક મળી આવ્યું હતું. બાઈકના નંબરના આધારે પોલીસે આરોપીને મોડીરાતે જ અટકાયત કરી લીધી હતી.
રૈયા રોડ પરના સ્મશાનની પાછળ આવેલા વિસ્તારમાં આરોપીએ બાળકીને એકલી મૂકી દીધા બાદ તે જંગલમાંથી ચાલી, પુલની નીચેથી ઉપર આવી હતી અને રોડ પર પસાર થતાં વાહનોને રોકતી હતી. જો કે, કેટલાક વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ ગયા હતા પરંતુ એક યુગલે માનવતા દાખવીને બાળકીને હેમખેમ તેના ઘરે પહોંચાડી હતી.