રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
(એજન્સી)રાજકોટ, રાજકોટઅગ્નિકાંડ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અલગ અલગ પોસ્ટરો સાથે પહોંચ્યા હતા.જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ જોડાયા હતાં.
આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે. એસટી બસ પર ચઢી ગયેલા એનએસયુઆઈ ના નેતાની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી.આગકાંડના પીડિતો પણ આ આંદોલનમાં પહોંચ્યા છે. આગ કાંડમાં પીડિત અને હોસ્પિટલમાં દાખલ દર્દી એમ્બ્યુલન્સ લઈને પહોચ્યા હતા.
આ સાથે જ કોંગ્રેસ દ્વારા બસ અને અન્ય વાહનો રોકાવીને રસ્તા પર ચક્કાજમા કર્યો છે અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા છે. સીટ વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માગ સાથે પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસની તૈયારી છે. જિલ્લા પંચાયત ચોક અને પોલીસ કમિશનર કચેરીનાં રોડ પર ચક્કાજામ કરાયો હતો. જેમાં પોલીસ દ્વારા ટીંગાટોળી કરી તમામ લોકોની અટકાયત કરાઈ હતી.કોંગ્રેસના નેતાઓએ દુર્ઘટનાના મૃતકોને ન્યાય મળે અને સાચી તપાસ થાય તેવી માગ સાથે પોલીસ કમિશનર કચેરીએ જઈ રજૂઆત કરી હતી.
ત્યારબાદ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, પોલીસ કમિશનરે આ પ્રકરણમાં યોગ્ય તપાસની ખાત્રી આપી છે પણ અમને રાજ્યની ભાજપ સરકાર પર ભરોસો નથી.છેલ્લા પંદર દિવસથી રાજકોટમાં બેઠેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને રૂબરૂ મળીને તેમની વેદના સાંભળી છે.
તે લોકો તેમજ રાજકોટ શહેરના લોકોમાં એક જ ચર્ચા છે કે, આ દુર્ઘટનાના સાચા જવાબદારો સામે કાર્યવાહી થાય તેવા કોઈ નિર્દેશ મળતા નથી.કોંગ્રેસના સાંસદ ગેનીબેને કહ્યું હતું કે, આ હીન સરકાર પાસે દયાની શુ અપેક્ષા રાખી શકીએ.