રાજકોટ – અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટમાં રશિયન સરકારનું જાહેર સાહસ સહભાગીતા માટે તત્પર
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે કોન્સ્યૂલ જનરલ ઓફ રશિયન ફેડરેશન ઇન મુંબઇ શ્રીયુત અલ્કેસી સુરોવત્સેવ ( Mr. Aleksei V Surovtsev) અને રશિયન સરકારના જાહેર સાહસ રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલના શ્રી વાલ્દીમીર ફિનોવ ( Mr. Vladimir Finov) એ ગાંધીનગરમાં બેઠક યોજીને રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે તત્પરતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠકમાં તેમણે કહ્યું કે રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટથી આ બંને વિસ્તારોના આર્થિક અને સર્વાંગી વિકાસ માટેની વિપુલ સંભાવનાઓ રહેલી છે તે જોતા આ રશિયન કંપની તેમાં સહભાગી થવા ઉત્સુક છે.
રશિયન સરકારની આ કંપનીએ ભારતમાં નાગપુર-સિકંદરાબાદ 580 કિ.મી.ની હાઇસ્પીડ રેલવે માટેના ડીપીઆર બનાવ્યા છે. રશિયામાં પણ સેન્ટ પિટ્સબર્ગથી મોસ્કો સુધી 625 કિ.મી. લંબાઈનો હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને આ અંતર માત્ર 3 કલાક, 15 મિનિટમાં કાપી શકાય તેવી ઝડપે હાઇસ્પીડ રેલ સફળતાપૂર્વક કાર્યરત્ કરી છે.
આ સંદર્ભમાં તેઓ હવે ગુજરાતમાં રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં પણ યોગદાન આપવા તત્પર છે.
આ પ્રોજેક્ટના ડીપીઆર ગુજરાત સરકારની જી-રાઇડ કંપની તૈયાર કરે તે પછી ડિટેઇલ્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને સંપૂર્ણ ફાઇનાન્સ માટે પણ રશિયાનું આ રેલવે સાહસ ગુજરાત – ભારત સરકાર સાથે પરામર્શ કરી આગળ વધશે તેવી ખાતરી તેમણે મુખ્યમંત્રીશ્રીને આપી હતી.
ડિઝાઇન તૈયાર થયાના ૨ વર્ષમાં પ્રોજેક્ટ તેઓ પૂર્ણ કરશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ-અમદાવાદના માર્ગ પરના ભારે ટ્રાફિક ભારણને ઘટાડવા અને આ બે શહેરો વચ્ચે ઝડપી મુસાફરી તથા સમગ્ર વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં આ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ અતિ મહત્વપૂર્ણ બની રહેશે તેમ બેઠકની ફળદાયી ચર્ચાઓ દરમિયાન જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભારત સરકારના રેલવે મંત્રાલય સાથે આ રશિયન સાહસે ભારતમાં રેલવે આધુનિકીકરણ, મોડર્ન સિગ્નલિંગ વગેરે માટે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન કરેલા છે અને હવે ગુજરાતમાં પણ આ સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે તેઓ જી-રાઇડ કંપની સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોજેક્ટને ત્વરાએ આગળ ધપાવવા માટે આગામી શુક્રવાર તા.૧૪ ફેબ્રુઆરીએ જી-રાઇડ અને આ રશિયન સાહસને બેઠક યોજીને કાર્યયોજના ઘડવાનું સૂચન પણ કર્યું હતું.
રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલના શ્રી વાલ્દીમીર ફિનોવે ગુજરાતમાં પોર્ટસથી ફ્રેઇટ કોરિડોર્સ માટે રેલવે કનેકટીવીટી વધારવા તેમજ પેસેન્જર રેલવે અને માલ વાહક ટ્રેનની હયાત સ્પીડ વધારવા માટેના નવા પ્રોજેકટ્સ માટે પણ સહયોગ આપવાની ઇચ્છા દર્શાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ વિષયે ગુજરાત સરકાર ભારતીય રેલવે અને કેન્દ્ર સરકાર સાથે વાતચિત કરીને સહયોગની સંભાવનાઓ ચકાસશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી એમ. કે. દાસ તથા ઉદ્યોગ કમિશનરશ્રી રાહુલ ગુપ્તા અને ઇન્ડેક્સ-બીના એમ.ડી. નિલમ રાની આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.