રાજકોટ ખાતે ગેરેજ સંચાલક પર તલવારથી હુમલો કરાયો
અમદાવાદ, રાજકોટના નવલનગર-૧૯ સિલ્વર પાર્ક બ્લોક નં૩૪માં રહેતાં અને ગોંડલ રોડ પર કાર રિપેરીંગનું ગેરેજ ધરાવતાં મયુરધ્વજસિંહ ભરતસિંહ બારડ પર ગુરૂવારે રાત્રે ઘર નજીક પાનની દુકાને ઉભા હતા ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંકના ભત્રીજા સાગરે તલવાર લઇ દોટ મુકી તલવારના ઉંધા ઘા ફટકારી ઇજા કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. કોંગી કોર્પોરેટરના ભત્રીજા તરફથી અને મારી નાંખવાની ધમકી અપાતાં મામલો માલવીયાનગર પોલીસમથક સુધી પહોંચ્યો હતો.
કોર્પોરેટરે અગાઉ કાર રિપેર કરાવી હોય તેના અગિયાર હજાર રૂપિયાની લેતીદેતી મામલે ડખ્ખો ચાલતો હોય તેનો ખાર રાખી આ હુમલો કરાયો હોવાનું અને ત્રણેક મહિના પહેલા પણ આ બાબતે ડખો થયો હતો. ઘટના બાદ મયુરધ્વજસિંહ માલવીયાનગર પોલીસ મથકે પહોંચતા પોલીસે તેની ફરિયાદ પરથી સાગર સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), જીપી એક્ટ ૧૩૫ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.
મયુરધ્વજસિંહ તરફથી કરાયેલી ફરિયાદમાં આક્ષેપ કરાયા હતા કે, હું પરિવાર સાથે રહુ છું અને ગોંડલ રોડ પર મારે જે. કે. મોટર્સ નામે ફોરવ્હીલર રિપેરીંગનું ગેરેજ છે. આજથી બે વર્ષ પહેલા મારા ગેરેજમાં વિજયભાઇ વાંક તેની માઇક્રા કારનું બોડી કામ કરાવવા આવ્યા હતાં. તેની કાર રિપેર થઇ ગયા બાદ તેનું બીલ રૂ. ૧૧ હજાર થયું હતું. આ રકમ તેણે તે વખતે બાકી રાખી હતી અને પોતે થોડા દિવસમાં આપી દઇશ તેવું કહ્યું હતું. એ પછી એક મહિનો વીતી ગયો છતાં તેણે પૈસા આપ્યા નહોતાં. આથી મેં ઉઘરાણી માટે ફોન કરતાં તેણે ફોન પણ ઉપાડ્યા નહોતાં.
ત્યારબાદ એટલે કે આજથી ત્રણેક મહિના પહેલા વિજયભાઇ વાંક મને ગોંડલ રોડ પર સૂર્યકાંત હોટેલે ભેગા થઇ જતાં મેં તેની પાસે પૈસા માંગતા ત્યારે અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી. તે વખતે વડીલોએ સમાધાન કરાવી દીધું હતું. ગુરૂવારે રાતે સાડા દસેક વાગ્યે હું મારા ઘર નજીક એ ટુ ઝેડ પાનના ગલ્લે મારા મિત્ર સાવન સાથે ઉભો હતો. આ વખતે મારા અન્ય મિત્ર વિમલ ડાંગરે મને કહેલ કે મયુર તું ભાગ, સાગર વાંક તને મારવા આવે છે.
જેથી મેં તેની સામે જોતાં સાગર હાથમાં તલવાર સાથે જોવા મળ્યો હતો. તેણે મને મારવા માટે દોટ મુકતાં હું ભાગવા માંડ્યો હતો અને થોડે દૂર પહોંચતા પડી જતાં જમણી કોણી છોલાઇ ગઇ હતી. ત્યાં સાગર આવી ગયો હતો અને મને જેમ ફાવે તેમ ગાળો ભાંડી ઉંધી તલવારથી પગના તળીયાના ભાગે અને નળાના ભાગે તેમજ જમણા બાવડામાં ઘા ફટકારતાં ગંભીર ઇજા થઇ હતી. મેં બૂમાબૂમ મચાવતાં મારા મિત્ર નિલેષ મિસ્ત્રી, સાવન સોંડાગર, વિમલ ડાંગર આવી જતાં સાગર વાંક મને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયો હતો.