રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાના મૃતકોને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે પાઠવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
રાજકોટ : તારીખ 25 મેના રોજ રાજકોટ શહેરના ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારના માળા વિખેરાય ગયા છે. જીવ ગુમાવનારના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે. ત્યારે આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોની આત્માને શાંતિ મળે
તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું અને તમામ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પણ ઉપસ્થિત રહીને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મા ખોડલ તમામ આત્માઓને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.
તારીખ 1 જૂન ને શનિવારના રોજ સવારે 9-30 કલાકે રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને ટ્રસ્ટની તમામ સમિતિઓ દ્વારા ગેમ ઝોન આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. જેમાં સૌએ ઉપસ્થિત રહીને મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું અને મૃતકોના પરિવારજનોને આ અકાળે આવી પડેલા આઘાતને સહન કરવાની શક્તિ આપે તેવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
આ શ્રદ્ધાંજલિ સભામાં ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રીઓ, કન્વીનર ભાઈઓ-બહેનો, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ લિગલ સમિતિ, શ્રી ખોડલધામ શિક્ષણ પાંખ સહિતની વિવિધ સમિતિઓના કાર્યકરો, સામાજિક સંસ્થાઓના સભ્યો, સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો, સ્ટાફગણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.