રાજકોટ ગ્રૂપ NCCએ સૈન્ય દિવસ નિમિત્તે વીર નારીઓનું સન્માન કર્યું

અમદાવાદ, ભારતીય સૈન્યના મહાન સિદ્ધાંતો અને ગૌરવને આગળ ધપાવતા રાજકોટ ગ્રૂપ NCCના કમાન્ડર બ્રિગેડિયર એસ.એન. તિવારીએ 15 જાન્યુઆરી 2021ના સૈન્ય દિવસ નિમિત્તે સમગ્ર રાજકોટ ગ્રૂપ વિસ્તાર, જેમાં લગભગ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશ આવી જાય છે તેમાં રહેતી યુદ્ધ શહીદોની વિધવાઓ (વીર નારીઓ)નું સન્માન કરવાનો નિર્ણય લીધો હતો.
સમગ્ર ગ્રૂપ વિસ્તારમાં 28 વીર નારીઓમાંથી 8 વીર નારીઓ પ્રત્યક્ષ રૂપે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે બાકીની વીર નારીઓના મૂળ વતન સુધી અલગ અલગ બટાલિયનોની ટીમોને મોકલવામાં આવી હતી. હવેથી યુદ્ધ શહીદોની વિધવાઓનું સંભાળ એ એક નિયમિત પ્રક્રિયા બની રહેશે અને તેઓ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે તમામ સહાય તેમના સુધી પહોંચાડવામાં આવશે.
વધુમાં, NCCના મૂળભૂત મૂલ્યો અને સિદ્ધાંતો પ્રત્યે કટિબદ્ધતા દાખવીને તેમજ નિઃસ્વાર્થ હિંમત સાથે કોવિડ-19 મહામારીના પ્રારંભિક દિવસોમાં જ્યારે અનિશ્ચિતતાનો માહોલ પ્રવર્તેલો હતો તેવી સ્થિતિમાં નાગરિક પ્રશાસન અને સ્થાનિક લોકોને NCC દ્વારા શરૂ કરવામાં આવેલી યોગદાન કવાયત હેઠળ મદદ કરનારા NCC કેડેટ્સ અને સ્ટાફને પણ દેશ અને સમાજ પ્રત્યે તેમની સમર્પણ ભાવના અને ખંત બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી નીતિન પેથાણી અને રાજકોટના DC શ્રીમતી રામ્યા મોહન પણ આદરણીય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બ્રિગેડિયર અને શ્રીમતી એસ.એન. તિવારી, કર્નલ અને શ્રીમતી સમીર બિષ્ટે પણ આ પ્રસંગને શોભાવ્યો હતો. પીઢ કર્નલ કે.ડી.સિંહ અને પીઢ કેપ્ટન જયદેવ જોશી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ સૈન્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે કારણ કે 1949માં આ દિવસે આપણા દેશના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) તરીકે જનરલ કે. એમ. કરિઅપ્પાએ કાર્યભાર સંભાળ્યો હતો.
તે પહેલાં ભારતીય સૈન્યમાં COAS તરીકે બ્રિટિશર હતા. આ એક ઐતિહાસિક પ્રસંગ હતો અને ત્યારથી દર વર્ષે આ દિવસને સંપૂર્ણ કીર્તિ અને ગૌરવ સાથે ઉજવવામાં આવે છે.