રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ

Files Photo
સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય
બીજી તરફ ઈન્ડિગોએ ૧૩મી મેની જમ્મુ, અમૃતસર, ચંડીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટની તમામ ફ્લાઇટ રદ કરી છે
નવી દિલ્હી,ભારતના જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત કર્યા જેમાં ૧૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનાએ અનેક વખત ભારત પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક એરબેઝ નષ્ટ કર્યા. બંને દેશો હવે સંઘર્ષ વિરામ માટે તૈયાર થયા છે જે બાદ ધીમે ધીમે ભારતનું એરસ્પેસ પણ ખોલવામાં આવી રહ્યું છે.
જોકે ૧૨મી મેની મધ્ય રાત્રિ અને ૧૩મી મેની વહેલી સવારે એર ઈન્ડિયાએ આઠ મોટા શહેરોની અનેક ફ્લાઇટ રદ કરી હતી. સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાયું છે. જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ચંડીગઢ, રાજકોટ, જામનગર અને ભુજ એરપોર્ટની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એર ઈન્ડિયાએ ઠ પર પોસ્ટના માધ્યમથી કહ્યું છે કે સુરક્ષા કારણોસર ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શહેરોના મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે કે યાત્રા પહેલા ફ્લાઇટની જાણકારી મેળવે અને રિબુકિંગ અથવા રિફંડ માટે એરલાઇન કંપનીની સહાયતા લે. બીજી તરફ ઈન્ડિગોએ ૧૩મી મેની જમ્મુ, અમૃતસર, ચંડીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટની તમામ ફ્લાઇટ રદ કરી છે. ઈન્ડિગોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતાં સુરક્ષા કારણોસર ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરો એરપોર્ટ પર આવતા પહેલા ફ્લાઇટના અપડેટ્સની જાણકારી મેળવે. SS1