રાજકોટ જિલ્લામાં દેવજી ફતેપરા બોલાવશે કોળી સમાજનું સંમેલન
રાજકોટ, તાજેતરમાં જ રાજકોટ શહેર ખાતે કોળી સમાજ તેમજ ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું. સંમેલનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને પૂર્વ કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળીયાની બાદબાકી કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે તે પૂર્વે પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ઇલેક્શન મોડમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.
દેવજી ફતેપરાએ કલેકટર કચેરી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં હું કોળી સમાજનું સંમેલન બોલાવવા જઈ રહ્યો છું. સુરેન્દ્રનગર સહિતના કોળી મતદારોના વિસ્તારોમાં બે દિવસ આગેવાનો સાથે બેઠક કરવામાં આવશે. આગામી ચૂંટણીમાં કોળી સમાજને વધુમાં વધુ પ્રભુત્વ મળે અને વધુમાં વધુ ટિકિટ રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યની કુલ ૧૮૨ વિધાનસભાની સીટ છે. જે પૈકી ૫૪ સીટ પર કોળી સમાજ નું પ્રભુત્વ છે. ત્યારે આ તમામ સીટ પર કોળી સમાજ ધારે તે વ્યક્તિને તે પાર્ટી ના પ્રતિનિધિને જીતાડી પણ શકે છે અને હરાવી પણ શકે છે. જે રીતે મુસ્લિમ સમાજ મતદાન કરે છે તે જ પ્રકારે કોળી સમાજ પણ દરેક ચૂંટણીમાં ૮૦ ટકાથી વધુ મતદાન કરે છે. ચાલુ દિવસ હોય તો રજા રાખીને પણ કોળી સમાજ પોતાનો કિંમતી અને પવિત્ર મત ચૂંટણીમાં ચોક્કસ આપે છે.
છેલ્લા કેટલાય સમયથી દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા વચ્ચે ખટરાગ ઊભો થયો છે. તે અંગે દેવજી ફતેપરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા અને કુવરજીભાઈ વચ્ચે હજુ કોઈ સમાધાન થયું નથી. આગામી દિવસોમાં પણ કુંવરજીભાઈ સાથે મારે સમાધાન થશે તેવું લાગી રહ્યું નથી.
તેમજ આગામી દિવસોમાં જે કોળી સંમેલન બોલાવવાનો છું તેમાં પૂર્વ કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળીયા તેમજ હાલના કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા નહીં હોય.
આમ આગામદિવસોમાં કોળી સમાજ કયા પક્ષ સાથે રહેશે તેમજ કયા પક્ષ દ્વારા કેટલી ટિકિટ આપવામાં આવશે તે જાેવું અતિ મહત્ત્વનું બની રહેશે. ત્યારે હાલ ઉનાળાની શરૂઆત થતાં ગરમીનો પારો ચઢેલો જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકારણનો પારો પણ ઊંચકાયેલો જાેવા મળી રહ્યો છે.SSS