રાજકોટ તથા વેરાવળમાં મતદાનનો વીડીયો ઉતારનાર બે શખ્સની અટકાયત
રાજકોટ, લોકસભા ચુંટણીના મતદાન વખતે કલેકટરના જાહેરનામાનો ભંગ કરીને વીડીયો ઉતારનારા શખ્સો સામે પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરાઈ રહી છે. જે અંતર્ગત રાજકોટ તથા વેરાવળમાં આવું કૃત્ય કરનારા શખ્સોની અટકાયત કરી પગલાં લેવાયા છે.
રાજકોટમાં લોકસભાની ચુંટણીને અનુલક્ષીને પોલીસ સોશીયલ મીડીયા પર સતત વોચમાં હતી ત્યારે સાયબર ક્રાઈમ પીઆઈ જે.એમ. કૈલાની રાહબરીમાં કોન્સ્ટેબલ જયવીરસિંહ ઝાલાને એક વીડીયો જોવા મળ્યો હતો. જેમાં એક યુવાને ઈવીએમનું બટન દબાવતી વખતે તેનો વીડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. એટલું જ નહી તે વીડીયોને પોતાના મીત્રોના ગૃપમાં શેર પણ કર્યો હતો.
સાયબર ક્રાઈમ પોલીસની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વીડીયો મવડીને આંગણવાડીમાં આવેલા બુથ નં.૭પ નો છે. જયારે વીડીયો બનાવનારનું નામ દિશાંત મહેશભાઈ પડારીયા ઉ.વ.ર૪ છે. જે મવડીની રાજદીપ સોસાયટી શેરી નં.રમાં રહે છે. જેથી તેના વિરૂધ્ધ કલેકટરના જાહેનામાના ભંગનો ગુનો રાજકોટ તાલુકા પોલીસમાં દાખલ કર્યો હતો.
નિયમ મુજબ તેને નોટીસ આપી હતી. બીજી તરફ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં લોકસભા ચુંટણીના મતદાન વખતે એક નાગરીકે મતદાન મથક નં.૭૭માં મતદાન કરતી વખતે બેલેટ યુનીટ તથા વીવીપેટ યુનીટના મોબાઈલમાં વીડીયો બનાવ્યો હતો.
એ પછી વીડીયો વાઈરલ કર્યો હતો. આ મામલે મતદાન મથક નં.૭૭ ના પ્રીસાઈડીગ ઓફીસર દ્વારા પોલીસ ઈન્સ્પેકટર વેરાવળ સીટીને પોલીસે ફરીયયાદ કરતાં પોલીસ ઈન્સ્પેકટર, વેરાવળ સીટી દ્વારા વીડીયો બનાવનાર ઈસમની તપાસ કરી વીડીયો બનાવનાર હાર્દિક ઝાલા નામના વીડીયો બનાવનાર શખ્સની અટકાયત કરી હતી.