રાજકોટ નજીક આવેલા એક ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન
દુકાન ખુલ્લી રાખનાર વેપારી પાસેથી દંડ વસૂલ કરાશે-રાજકોટ જિલ્લાના અત્યાર સુધીમાં ૧૩૦ જેટલા ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉનનીની જાહેરાત કરાઈ છેઃ સ્થિતિ તંગ
રાજકોટ, હાલ રાજ્ય અને દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે. વધી રહેલા કોરોના કેસના પગલે રાજકોટ આઈએમએ દ્વારા ૧૪-૨૧ દિવનું લૉકડાઉન એક જ માત્ર ઉપાય હોવાનું જણાવ્યું છે. ત્યારે રાજકોટ શહેર કરતાં ગ્રામ્યના લોકો કોરોનાની ચેન તોડવા માટે વધુ સતર્ક હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ નજીક આવેલા એક ગામે સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરી છે. લૉકડાઉનનું કડક પાલન થાય તે માટે પણ ગ્રામ પંચાયત તરફથી દુકાન ખુલ્લી રાખે તેની પાસેથી દંડ વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના અત્યાર સુધીમાં ૧૩૦ જેટલા ગામડાઓએ સ્વૈચ્છિક લૉકડાઉનનીની જાહેરાત કરી છે.
બુધવારના રોજ રાજકોટથી ખૂબ જ નજીક આવેલા ગૌરીદળના ગ્રામજનો દ્વારા એક અભૂતપૂર્વ ર્નિણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી ૧૬થી ૨૧ એપ્રિલ સુધી ગૌરીદડ ગામ સ્વયંભૂ બંધ રહેશે. આ સમય દરમિયાન ગામના કોઈપણ ફેરીયા કે વેપારી પોતાની દુકાન ખોલશે તો તેમની પાસેથી ગ્રામ પંચાયત રૂપિયા ૧૦૦૦નો દંડ વસૂલ કરશે.
બીજી બાજુ રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલની બહાર એમ્બ્યુલન્સમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખુદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના પ્રમુખ પ્રફુલ કમાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હોસ્પિટલ તેમજ હોસ્પિટલ સ્ટાફ થાકી ચૂક્યો છે.
હવે કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે તેને અટકાવવા માટે લૉકડાઉન એક જ માત્ર વિકલ્પ બાકી વધ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. રાજકોટમાં મંગળવારના રોજ ૫૨૯ પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૫ દર્દીનાં મોત નીપજ્યાનું સામે આવ્યું હતું. છેલ્લા ૪ દિવસમાં ૨૦૧ જેટલા કોરોના સંક્રમિત દર્દીનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. કોરોના સંક્રમિત દર્દીનાં મૃત્યુ અંગેનો આખરી ર્નિણય ડેથ ઓડિટ કમિટી લેતી હોય છે.