રાજકોટ : પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતા યુવકને સાળીએ છરીના ઘા ઝીંકી પતાવી દીધો
રાજકોટ: શહેરના જુના મોરબી રોડ પર ચામડીયા ખાટકીવાસમાં રહેતા મજુરી કરતા ફારૂક રહેમાન મુસાણી (ઉ.વ.૩૬) ની ગઈકાલે તેના ઘરની નજીક રહેતા સસરાના ઘરમાં સસરા હારૂન, પત્ની ઈલ્ફીઝા અને સાળી મુમતાઝ ઉર્ફે મુસ્કાને મળી છરી અને ઈંટના ઘા મારી હત્યા કરી નાખી હતી. ફારૂકને તેની પત્નીના ચારીત્ર્ય ઉપર શંકા હતી જેને કારણે બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. ગઈકાલે પણ બન્ને વચ્ચે આ મુદે ઝઘડો થયા બાદ આવેશમાં આવી તેની હત્યા કરી નાખી હતી.
આશ્ચર્યની વાત એ છે કે ફારૂકને તેના સસરા અને પત્નીએ મજબુત રીત પકડી રાખ્યો હતો. જયારે સાળી મુમતાઝ ઉર્ફે મુસ્કાને ખુન્નસપુર્વક છરીનો એક ઘા પેટમાં ઝીંકી આંતરડા કાઢી નાખ્યા હતા. જયારે બીજા ઘાથી હાથમાં છરકા જેવી ઈજા કરી હતી. એટલુ જ નહી ઈંટનો પણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસે જણાવ્યું કે ફારૂકની હાઈટ પાંચેક ફુટની આસપાસ હતી. તેની સાળી મુમતાઝ ઉર્ફે મુસ્કાનની હાઈટ સાડા પાંચ ફુટની આસપાસ છે. એટલુ જ નહી શરીરે પડછંદ પણ છે. અવાર-નવાર તે બનેવી ફારૂકને મારકુટ કરતી હોવાની માહિતી મળી છે. ગઈકાલે ઝઘડો વધી જતા બનાવ હત્યામાં પરીણમ્યો હતો.
આ બનાવ અંગે હત્યાનો ભોગ બનનાર ફારૂકના પિતા રહેમાન જીવાભાઈ મુસાણી (ઉ.વ.૫૫) કે જે મોરબી રોડ પરની ગાંધી વસાહત સોસાયટી મેઈન રોડ પર રહે છે, તેણે ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. જેમાંથી સૌથી મોટા ફારૂકને સંતાનમાં બે પુત્રી તરનુમ અને આફરીન છે.
ગઈકાલે સવારે તે ઘરે હતા ત્યારે પુત્ર ફારૂકની પુત્રીઓએ આવી કહ્યુ કે તેના માતા- પિતા ઝઘડો કરે છે. જેથી તે ત્યાં પહોંચ્યા ત્યારે પુત્ર ફારૂક સુતો હતો. તેની પત્ની ઈલ્ફીઝાને પુછતા કહ્યુ કે આજે સવારથી ફારૂક તેની સાથે બોલાચાલી કરે છે. જેથી તેણે ફારૂક ઉઠે તો પોતાને જાણ કરવાનું કહી ત્યાંથી રવાના થઈ મજુરીએ જતા રહ્યા હતા.બપોરે ફારૂકના સસરા હારૂન જમાલભાઈ ભાડુલા કે જે મોરબી રોડ પરના ગણેશનગર શેરી નં-૮ માં રહે છે. તેણે તેને કોલ કરી કહ્યુ કે ફારૂક તેના ઘરે આવી ઝઘડો કરે છે.
પરીણામે તે તત્કાળ ત્યા દોડી ગયા હતા. ત્યારે પુત્ર અને પુત્રવધુ ઝઘડો કરતા હતા. તેણે ઝઘડો નહી કરવાનું કહી કારણ પુછતા ફારૂકે કહ્યુ કે તેની પત્ની ફોનમાં કોઈની સાથે વાતચીત કરતી હતી. કોની સાથે વાતચીત કરશ તેવું પુછતા બહેનપણી કહ્યુ હતું. જેથી તેની સાથે વાત કરાવવાનું કહેતા વાત કરાવી ન હતી. આમ કહી તેણે પત્ની ઉપર તે કોઈ છોકરા સાથે વાતચીત કરતી હોવાની શંકા દર્શાવી હતી. આટલુ કહી તેનો પુત્ર ત્યાંથી જતો રહ્યો હતો.
થોડી વાર પછી તે પણ પોતાના ઘરે આવતા રહ્યા હતા. બાદમાં રાત્રીના સાડા આઠેક વાગ્યે તેના વેવાઈ હારૂનભાઈએ તેને કોલ કરી કહ્યુ કે તમારો દિકરો ફરીથી અહીં તેની સાથે ઝઘડો કરે છે. જેથી તેણે તેને સમજાવટ કરવાનું અને ઘરે મોકલી આપવાનું કહ્યું હતું.આ વાતચીતના થોડા સમય બાદ ચાંમડીયાપરના બે યુવકોએ તેના ઘરે આવી કહ્યુ કે ફારૂક તેની પત્ની અને સાસરીયા વચ્ચે ઝઘડો થયો છે. જેમાં ફારૂકના શરીરે ઈજાઓ થઈ છે. હાલ તે ત્યાં બેભાન હાલતમાં પડયો છે ત્યારબાદ વેવાઈએ કોલ કરી કહ્યુ કે તમારા દિકરાએ ઘરે આવીને ઝઘડો કર્યો છે.
જેમાં તેને અને તેની પુત્રીઓએ સાથે મળીને માર મારતા હાલ બેભાન હાલતમાં તેના ઘર બહાર પડયો છે જાે પુત્રનું મોઢુ જાેવું હોય તો જલ્દી આવો. જેથી પોતે ત્યાં દોડી જતા તેનો પુત્ર તો મળ્યો ન હતો.પરંતુ લોકોએ જણાવ્યું કે તેના પુત્રને તેની પત્ની અને સસરાએ પકડી રાખ્યા બાદ સાળીએ છરી અને ઈંટના ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા થતા હાલ સિવિલમાં સારવાર માટે લઈ ગયા છે. સિવિલમાં તબીબોએ તેના પુત્રને મૃત જાહેર કર્યો હતો. બી-ડીવીઝનના પીઆઈ ઔસુરા અને રાઈટર રશ્મીનભાઈ પટેલે ગુનો નોંધી આરોપી પત્ની ઈલ્ફીઝા અને સાળી મુમતાઝ ઉર્ફે મુસ્કાનની ધરપકડ કરી ભાગી ગયેલા આરોપી સસરા હારૂનની શોધખોળ હાથ ધરી છે.