રાજકોટ પર કોરોનાનો કહેર યથાવત : આજે વધુ ૬૭ મોત થયા
રાજકોટ: રાજકોટ પર કોરોના એ કાળો કહેર વર્તાવવાનો ચાલુ રાખ્યો છે.રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધવા લાગ્યું છે. શહેરમાં ૨૪ કલાકમાં ૬૭ દર્દીના મોત નીપજતા આરોગ્ય વિભાગમાં ચિંતામા મૂકાયું છે. શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૬૭૧૯ પર પહોંચી છે. તેમજ હાલ અલગ અલગ હોસ્પિટલમાં ૪૬૧૨ દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગઇકાલે રવિવારે ૪૨૩ દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.સામાન્ય માણસથી લઇને શહેરના અગ્રણીઓ દરેકના પરિવારોમાં કોરોના એ દસ્તક દીધી છે. જેના પગલે સમગ્ર શહેરમાં ચિંતા વ્યાપી ગઈ છે. રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભાના પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. ઘોઘુભાના ધર્મપત્ની ઘ્રુપદાબા જાડેજા ઉપરાંત રાજકોટના વોર્ડ નંબર ૩ ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજાના પત્ની ધર્મિષ્ઠાબા તથા પુત્ર નિલરાજ જાડેજા પણ કોરોના પોઝિટિવ થયાં છે અને હાલ પેટ્રીયા ખાતે સારવાર લઇ રહ્યા છે. ગત ૬મી એપ્રિલના રોજ કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજાના દિકરીબા કોરોના ગ્રસ્ત થયા હતા. ત્યારબાદ પરિવારમાં વધુ સભ્યો કોરોના સંક્રમિત થતા ચિંતા વ્યાપી છે.
રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પોઝિટિવ આવેલા વ્યક્તિઓ પોતાના ઘરે સારવાર મેળવવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. પરંતુ અમુક લોકો ૧૪ દિવસ ઘરે રહેવાના બદલે અને પોતાનો રિપોર્ટ પોઝિટીવ હોવા છતા ઘરની બહાર નીકળે છે. જેના પગલે આવા લોકો પર નજર રાખવા પોલીસને જવાબદારી સોંપાઇ છે. પોલીસ કર્મચારીઓ આવા લોકોની ઘરે જઇને મોબાઇલ એપ ડાઉનલોડ કરાવે છે. આ કામગીરી દરમિયાન યુનિવર્સીટી રોડ પોલીસ મથકના ૧૭ જવાનો કોરોનાગ્રસ્ત બન્યા છે. કોરોના સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઇન થતા દર્દીઓ ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ તંત્ર દ્વારા સેફ રાજકોટ નામની મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. જેની કામગીરી લાગતા વળતા વિસ્તારના પોલીસમથકનો સ્ટાફ કરી રહી છે.
કોરોના માત્ર શેરીઓ ગલીઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી. જેલના અધિકારીઓ પણ કોરોનાની ઝપેટે ચડી રહ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલ ના ૭ અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે, હાલ તેઓ સારવાર લઈ રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.રાજકોટ રેલવે સ્ટેશનને દેહરાદુન ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં હરિદ્વાર કુંભ મેળા માંથી આવેલા ૧૪૭ પ્રવાસીઓનો ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૨ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.હાલ કોરોના વાઇરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની ત્રણ (૩) શાક માર્કેટ આજથી થી તા.૩૦/૪/૨૦૨૧ સુધી દરરોજ બપોરે ૨.૦૦ વાગ્યા પછી સ્વૈચ્છાએ બંધ રાખવા અંગેનો ર્નિણય ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ છે.રાજકોટ દાણાપીઠ બજારમાં હવે આજથી સમગ્ર સપ્તાહ દરમિયાન અડધો દિવસ બંધ પાળશે. આજથી તારીખ ૨૫ સુધી સવારે ૮ થી બપોરે ત્રણ સુધી બજાર ખુલી રહેશે. બપોર પછી થી બંધ પાડવામાં આવશે એવું દાણાપીઠ વેપારી એસોસીએશનના પ્રમુખ બીપીનભાઈ ભાઈ કેસરિયા એ જાહેર કર્યું છે.