Western Times News

Gujarati News

રાજકોટ પોલીસના હાથે લાગી ચોર-લૂંટારૂ ગેંગ

રાજકોટ, રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે એક લૂંટારૂ ટોળકીને ઝડપી પાડી છે. મજુરી માટે બહારના પ્રદેશથી આવેલા સગાં સબંધીઓને ત્યાં રોકાઇને રેકી કરીને લૂંટ કરવાની ટેવ ધરાવતી આ ટોળકીના પાંચ સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. પોલીસે આ શખ્સો પાસેથી સોના ચાંદીના દાગીના કબજે કર્યા છે. તેમજ પાંચ જેટલી લૂંટ અને ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલી નાંખ્યો છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં લૂંટના બે ગુનાઓ સામે આવ્યા હતા. આ બંન્ને ગુનાની મોડસ ઓપરેન્ડી એક જ હતી. જેના કારણે પોલીસને આ બંને લૂંટ એક જ ઇસમ દ્વારા કરવામાં આવી હોવાની શંકા પડી હતી.

દરમિયાન પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે કાલાવડ-રાજકોટ હાઇ વે પરથી બે બાઇકમાં શંકાસ્પદ ઇસમો પસાર થઇ રહ્યા છે તેવી બાતમી મળતા પોલીસે કાલાવડ હાઇવે પર વોચ ગોઠવી હતી. બે બાઇકમાં પાંચ શખ્સો સોના ચાંદીના દાગીના સાથે મળી આવ્યા હતા.

પોલીસે તેની પૂછપરછ કરતા આ શખ્સોએ જિલ્લાના લોધિકા તાલુકાના મોટાવડા અને કોટડાસાંગાણીના રાજપરા ગામે લૂંટ કરી હોવાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં આ શખ્સોએ જિલ્લાની બે લૂંટ ઉપરાંત કલોલમાં એક ચોરી અને મોરબી જિલ્લામાં બે ચોરીની કબુલાત કરી છે. પોલીસે આ શખ્સો પાસેથી સોના ચાંદીના દાગીના મળીને કુલ ૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો મૂળ દાહોલ જિલ્લાના રહેવાસી છે. સમયાંતરે આ શખ્સો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં તેમના સગાં સબંધીઓ મજુરી કરવા આવ્યા હોય છે ત્યાં મહેમાન બને છે અને તે ગામની આસપાસ રેકી કરે છે.

જાે કોઇ વ્યક્તિ મોટી રકમ સાથે તેની વાડીમાં રહેતો હોય તેવી જાણ થતા રાત્રિના સમયે તેની વાડીમાં પહોંચીને પહેલા તેના પર હુમલો કરે છે અને બાદમાં ત્યાં લૂંટ કરીને ફરાર થઇ જાય છે. જાે કોઇ સારૂ મંદિર જાેવા મળે તો ત્યાં પણ ચોરી અને બંધ મકાનને પણ શિકાર કરવાનું છોડતા નથી. રાજકોટ જિલ્લામાં થયેલી બે લૂંટને પણ આ જ મોડસ ઓપરેન્ડીથી અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે.

હાલ પોલીસે આ શખ્સોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના કહેવા પ્રમાણે, પકડાયેલા આરોપી પૈકી પારસિંગ પડધરીના બે કેસ અને અમરેલીના એક કેસમાં વોન્ટેડ છે. જ્યારે પારસિંગ, નરૂ પરમાર, કમલેશ વાખળા અને દિનેશ પરમાર અગાઉ દાહોદ, મહીસાગર અને જામનગર જિલ્લામાં અલગ અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે ચઢી ચૂક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.