Western Times News

Gujarati News

રાજકોટ પોલીસનો સપાટો, ૪ મહિલા સહિત ૩૨ જુગારીને ઝડપી પાડ્યા

રાજકોટ: રાજકોટ શહેર પોલીસે ચાર જુદી જુદી જગ્યાએ જુગારધામ ઝડપી પાડ્યાં છે. જે અંતર્ગત ૪ મહિલા સહિત ૩૨ જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ટોકનથી ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત ૧૫ જેટલા લોકોની ધરપકડ કરી ૧ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે અલગ અલગ જગ્યાએ કરેલી કાર્યવાહીમાં પિતા-પુત્ર અને એક ૬૦ વર્ષના વૃદ્ધાની જુગાર રમાડવા બદલ ધરપકડ કરી છે. પિતા-પુત્રએ કેટરિંગના ધંધામાં મંદી આવતા જુગાર ક્લબ શરૂ કરી હોવાનૂ કબૂલાત કરી હતી. આ સમગ્ર મામલે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે,

અમારી ટીમને બાતમી મળી હતી કે યુનિવર્સિટી રોડ પર આવેલા રવીરત્ના પાર્ક શેરી નંબર-૧માં રિદ્ધિ કોમ્પ્લેક્સના બીજા માળે કૈલાશભાઈ હસમુખભાઈ બુધ્ધદેવ નામના ૬૦ વર્ષીય વ્યક્તિ તેમજ તેમનો પુત્ર આકાશ કૈલાશભાઈ બુદ્ધદેવ ટોકન આધારિત જુગાર ક્લબ ચલાવી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે દરોડો કરતા જુગારધામ ચલાવતા પિતા-પુત્ર સહિત કુલ ૧૫ જેટલા લોકો જુગાર રમતા ઝડપાઈ ગયા છે.

તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં જુગારધામ ચલાવતા પિતા-પુત્રે કેટરિંગના ધંધામાં મંદી હોવાના કારણે છેલ્લા દોઢ મહિનાથી જુગાર ક્લબ ચલાવતા હોવાનું જણાવ્યું છે. થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા જાહેરમાં જુગાર રમતા ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઇ જી.એમ. હડિયાએ જણાવ્યું હતું કે, અમારી ટીમને બાતમી મળી હતી કે ભાવનગર રોડ પર આવેલા પીટીસી ગ્રાઉન્ડમાં ત્રણ જેટલા શખ્સો ગંજીપાના તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે.

ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા ત્રણ જેટલા આરોપીઓ જુગાર રમતા ઝડપાયા છે. ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના પૂર્વ ભાગમાં આવેલા બી ડિવિઝન પોલીસ દ્વારા પણ ગંજીપાથી હાર-જીતનો જુગાર રમતા ૧૦ જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇના જણાવ્યું હતું કે,

પીએસઆઇ ડામોર અને તેમની ટીમને બાતમી મળી હતી કે, માર્કેટિંગ યાર્ડ ૨૫ વારિયા ક્વાર્ટર પાસે મંજુલાબેન કલયાણદાસ અગ્રાવત નામનાં ૬૦ વર્ષિય વૃદ્ધા જુગારધામ ચલાવી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે દરોડો કરતા મંજુલાબેનના ઘરે જુગાર રમતા નવ જેટલા જુગારીઓ ઝડપાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.