Western Times News

Gujarati News

રાજકોટ પ્રાણીસંગ્રહાલયમાં હવે બબુન વાનર જોવા મળશે

પંજાબથી બબુન વાનર સહિતના પ્રાણીઓ-પક્ષીઓ લવાશે ગુજરાત રાજ્યના એક પણ ઝુમાં વિદેશી બબૂન વાનર નથી
રાજકોટ, પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન અને એમ.સી. ઝૂલોજીકલ પાર્ક, છત્તબીર ઝુ, પંજાબ વચ્ચે વન્યપ્રાણી-પક્ષીઓ વિનીમય કરવા મંજૂરી મળી છે. જેમાં રાજકોટ ઝુ પંજાબના છતબીર ઝુ પાસેથી બબુન વાનર લવાશે. જે ગુજરાત રાજ્યનું રાજકોટ ઝુ (rajkot zoo) પહેલું બબુન (baboon) વાનર પ્રદર્શીત કરનારૂ ઝુ બનશે. બંને ઝુ ઓથોરીટી વચ્ચે થયેલી સમજૂતી મુજબ, રાજકોટ ઝુએ એક એક એશિયાઇ સિંહ, એક સફેદ વાઘ અને એક જંગલ કેટ આપવાની રહેશે.

જ્યારે છતબીર ઝુએ હમદ્રયાસ બબુન એક એક, હિમાલયન રીંછ એક, જંગલ કેટ એક, રોઝ રીંગ પેરાકીટ ત્રણ ત્રણ, એલેઝાન્ડ્રીન પેરાકીટ બે બે, કોમ્બ ડક બે બે આપવાના રહેશે. ઉપરોક્ત મંજુર થયેલ વન્યપ્રાણી વિનીમય અંતર્ગત એમ.સી. ઝૂલોજીકલ પાર્ક, છત્તબીર ઝુ (પંજાબ)ની ટીમ વન્ય પ્રાણીઓ લેવા માટે રાજકોટ ઝુ ખાતે આજે સાંજે આવે તેવી શકયતા છે. હાલ રાજકોટ ઝુ ખાતે કદાવર વિદેશી વાનર બબૂન માટે પાંજરાનાં બાંધકામની કામગીરી ચાલુ કરી દેવાઇ છે. પાંજરાના બાંધકામની કામગીરી અંદાજે ૨૦થી ૨૫ દિવસમાં પૂર્ણ થઇ જશે. રાજકોટ ઝુ દ્વારા પાંજરાના બાંધકામની કામગીરી પૂર્ણ થયે તુરંત છતબીર ઝૂ, પંજાબ ખાતેથી મંજૂર થયેલા પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવશે.

હાલ ગુજરાતના એક પણ ઝૂમાં વિદેશી વાનર બબૂન જાવા મળતો નથી. આથી રાજકોટ ઝુ બબૂન વાનરોને પ્રદર્શીત કરનાર ગુજરાતનું પ્રથમ ઝુ બની રહેશે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૫૩ પ્રજાતીનાં કુલ-૪૦૮ પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડતા ઝુની બન્ને બાજુનાં બન્ને તળાવો લાલપરી તથા રાંદરડા સંપૂર્ણ ભરાઇ જતા તથા ઝુનું કુદરતી સૌંદર્ય વાતાવરણ જોઇ મુલાકાતીઓ ખૂબ જ ખુશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.